સજાતીય સંબંધ માટે દબાણ કરતા વૃધ્ધની હત્યા : ફેસબૂક ફ્રેન્ડ પકડાયો
અચેરમાં ઝપાઝપીમાં છરીનો એક ઘા મારી ગળું કાપી નાંખ્યું
મેસેન્જરથી ચેટ કરતા દેવેન્દ્રભાઈ સંબંધ બાંધવા ઘરે આવવા ધમકી આપતા હોવાથી પરેશાન થઈને હત્યા કર્યાની કેફિયત
અમદાવાદ : શહેરમાં વધુ એક સિનિયર સિટીઝનની હત્યાના કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સજાતીય સંબંધો બાંધવા માટે દબાણ કરતા 63 વર્ષના દેવેન્દ્રભાઈ રાવત નામના ફેસબૂકના મેસેન્જર ચેટ ફ્રેન્ડની હત્યા કર્યાની કેફિયત આરોપી ઉમંગ દરજીએ આપી છે.
દસક્રોઈના કુહા ગામે રહેતા ઉમંગ દરજીએ સાબરમતીના અચેર ખાતેના ઘરમાં હત્યા પછી દેવેન્દ્રભાઈની સોનાની ચેઈન લુંટીને વેચી દીધી હતી. ચેઈન વેચીને મેળવેલા પૈસામાંથી 39000 સ્ત્રીમિત્રને આપી દેવું ચૂકવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી તપાસ માટે સાબરમતી પોલીસને સોંપ્યો છે.
ચાંદખેડા રેલવે સ્ટેશન પાસે આવેલા ધરતીનગર બંગલોઝમાં રહેતા દેવેન્દ્રપ્રસાદ મોતીલાલ રાવત (ઉ.વ. 63)ની હત્યા અચેરના તેમના જુના ઘરમાં કરવામાં આવી હતી. દેવેન્દ્રભાઈની હત્યાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ઉમંગ ઉર્ફે કાનો જસવંતભાઈ દરજી (ઉ.વ. 31, રહે. કુહા ગામ, દસક્રોઈ)ને પકડી પાડયો છે. ઉમંગ દરજીએ એવી કેફિયત આપી છે કે, દોઢેક વર્ષ પહેલાં દેવેન્દ્રભાઈ સાથે ફેસબૂક ફ્રેન્ડશીપ થઈ હતી. ફેસબૂક મેસેન્જરથી બન્ને વાતચિત કરતા હતા.
આ પછી દેવેન્દ્રભાઈ સજાતીય સંબંધ રાખવા માટે વાતચિત કરતા હતા. દેવેન્દ્રભાઈ અને ઉમંગ એક વખત સારંગપુર દરગાહ પાસે મળ્યા હતા અને એકબીજાના મોબાઈલ ફોન નંબરની આપ-લે પણ કરી હતી. આ પછી બન્ને વચ્ચે વોટ્સ-એપ ઉપર વાતચિત થતી હતી. વોટ્સ-એપ ઉપર વાતચિત દરમિયાન દેવેન્દ્રભાઈ સજાતીય સંબંધ કરવા બાબતે વાત કરતા હતા.
વીસેક દિવસ પહેલાં દેવેન્દ્રભાઈએ ફોન કર્યો હતો અને બન્ને અચેર ખાતેના તેમના ઘરે સજાતીય સંબંધ કરવા માટે મળ્યા હતા. આ પછી દેવેન્દ્રભાઈ અવારનવાર સજાતીય સંબંધ માટે ફોન, મેસેજ અને વોટસ-એપ કોલ કરી હેરાન કરતા હતા. પોતાને પૈસાની જરૂર હોય ઉમંગ દેવેન્દ્રભાઈએ પહેરેલી સોનાની ચેઈન લૂંટી ગયો હતો.
સોનાની ચેઈન ઓઢવના સોનીને 67000 રૂપિયામાં વેચાણ આપી હતી. આ પૈસામાંથી 39000 રૂપિયા ઉમંગે પોતાની પ્રેમિકાને આપ્યા હતા. બાકીના 25000 અને મોબાઈલ ફોન દેવેન્દ્રભાઈની બાઈકના ટુલ બોક્સમાં જ મુકી દીધા હતા. આ બાઈક ઉમંગના વતન કુહા ગામેથી કબજે કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચે કબજો સોંપતા સાબરમતી પોલીસે આરોપી ઉમંગ દરજીની વધુ પૂછપરછ હાથ ધરી છે. પી.આઈ. આર એસ ઠાકરનું કહેવું છે કે, ગે રિલેશનશીપમાં દબાણ કરવામાં આવતાં હત્યા કરી હતી. હત્યા પછી સ્ત્રી મિત્ર પાસેથી લીધેલા 39000 રૂપિયાનું દેવું ઉતારવાનો વિચાર આવતા સોનાની ચેઈન લૂંટી હતી. ચેઈન વેચી મળેલા બાકીના પૈસા બાઈકમાં જ રાખી મુક્યા હતા.
દેવેન્દ્રભાઈના મોબાઈલથી અનેક રહસ્યો ખૂલ્યાં
ટોપ કે બોટમ? ગે-રિલેશન્સમાં વિવાદથી હત્યાની પહેલી ઘટના
ગે-રિલેશનશિપ ધરાવતા લોકોની એપ્લિકેશન મળી : સજાતીય સંબંધ માટે પૈસા ચૂકવતા હતા
અચેરમાં દેવેન્દ્રભાઈની હત્યા સજાતીય સંબંધોમાં થવા પાછળનું કારણ અને અન્ય તથ્યો જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મૃતક દેવેન્દ્રભાઈ અને આરોપી ઉમંગ વચ્ચે ટોપ કે બોટમનો વિવાદ સર્જાયો હતો. ઉમંગે એવી કેફીયત આપી છે કે, ફેસબૂક ફ્રેન્ડશીપ પછી મેસેજીસ અને વાતચિત પછી એક વખત, વીસેક દિવસ પહેલાં દેવેન્દ્રભાઈને તેમના અચેર ખાતેના ઘરે મળ્યાં હતાં.
આ સમયે દેવેન્દ્રભાઈએ બોટમમાં રહ્યાં હતાં. આ પછી ઉમંગને 2000 રૂપિયા પણ આપ્યાં હતાં. ઉમંગને વારંવાર મળવા બોલાવી દેવેન્દ્રભાઈ હવે ઉમંગને બોટમમાં રહેવા દબાણ કરતાં હતાં. સતત દબાણ વચ્ચે ઉમંગ મળ્યો ત્યારે દેવેન્દ્રભાઈએ ટોપમાં રહેવાની જ વાત કરતાં હત્યાની ઘટના બની છે.
પોલીસે દેવેન્દ્રભાઈ અને આરોપી ઉમંગના મોબાઈલ ફોન તપાસતા અનેક ચોંકાવનારાં તથ્યો ખૂલ્યાં છે. ઉમંગ સાથે આઈ લવ યુ સહિતના અનેક અનેક મેસેજ મળ્યાં છે. તો, દેવેન્દ્રભાઈને અન્ય યુવકો સાથે સજાતીય સંબંધો હોવાની વિગતો પોલીસને મળી છે.
આવા યુવકોને બોલાવી પૂછપરછ કરતાં 200થી 2000 રૂપિયા દેવેન્દ્રભાઈએ ચૂકવ્યા હોય અને ટોપ-બોટમ રિલેશનશીપ રાખી હોય તેવી કેફીયત પણ અમુક યુવકોએ આપી છે. મોબાઈલ ફોનમાંથી ગે સોસાયટી નામની એપ્લિકેશન મળી છે તેમાં પણ દેવેન્દ્રભાઈ અમુક લોકોના સંપર્કમાં હતાં. સજાતીય સંબંધો ચર્ચાસ્પદ રહેતાં આવ્યાં છે ત્યારે ગે રિલેશન્સમાં હત્યાની પહેલી ઘટના ચર્ચાસ્પદ બની છે.