નર્સિંગમાં આ વર્ષે અધધ..૨૦૦થી વધુ નવી કોલેજો માટે અરજીઓ
માસ પ્રમોશનમાં વધુ વિદ્યાર્થી પાસ થતા ખાનગી સંસ્થાઓએ તકનો લાભ લેતા મોટી સંખ્યામાં અરજીઓ
અમદાવાદ
ધો.૧૨ સાયન્સ
પછીના બીએસસી નર્સિંગ,જનરલ નર્સિંગ અને ઓક્ઝિલરી નર્સિંગમા આ વર્ષે નવી ૨૦૦થી વધુ કોલેજો માટે
અરજીઓ મેડિકલ શિક્ષણ વિભાગમા આવી છે.જેમાંથી ૧૦૦થી વધુ નવી કોલેજો આ વર્ષે શરૃ થાય તેવી શક્યતા
છે. જેથી નર્સિંગમાં ૬થી૭ હજાર જેટલી બેઠકો વધે તેવી શક્યતા છે.
ધો.૧૨
સાયન્સમા આ વર્ષે માસ પ્રમોશનને લીધે ૧.૦૭ લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે ત્યારે
પેરામેડિકલમાં વિદ્યાર્થીઓ વધશે તેવા ટાર્ગેટ સાથે આ તકનો લાભ લેતા આ વર્ષે
નર્સિંગ અને ફીઝિયોથેરાપી નવી કોલેજો માટે મોટી સંખ્યામાં સંસ્થાઓએ અરજી કરી
છે.ખાસ કરીને બીએસસી નર્સિંગ,ઓક્ઝિલરી નર્સિંગ અને જનરલ નર્સિંગમાં
૨૦૦થી ૨૫૦ જેટલી અરજીઓ નવી કોલેજો માટે આવી છે.જે અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક
આંકડો નવી કોલેજો માટે છે. સરકારે નર્સિંગના સ્ટાફને કાયમી કરતા અને ખાસ કરીને બે
વર્ષમાં કોરોનાને લઈને મેડિકલ-નર્સિંગ સ્ટાફની ડિમાન્ડ પણ ખૂબ જ વધી છે ત્યારે નવી
નર્સિંગ કોલેજોનો રાજ્યમા રાફડો ફાડયો છે અને સતત નવી કોલેજો વધી રહી છે. ગત વર્ષે
પણ ૧૦૦ જેટલી નવી નર્સિંગ કોલેજો માટે અરજીઓ આવી હતી અને ૫૦થી વધુ કોલેજો નવી શરૃ
થઈ હતી. આ વર્ષે નર્સિંગ-ફિઝિયોથેરાપી સહિતના પેરામેડિકલ કોર્સ માટે ૪૭ હજારથી વધુ
વિદ્યાર્થીઓનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન પણ થયુ છે.
નર્સિંગમાં આ
વર્ષે જ્યાં ૨૦૦થી વધુ નવી કોલેજો માટે અરજીઓ આવી છે ત્યારે આરોગ્ય વિભાગે પણ
ઈન્સપેકશન અને સ્ક્રુટિની પ્રક્રિયા માટે મોટો સ્ટાફ કામે લગાડવો પડયો છે અને હાલ
રોજના ૧૦ -૧૦ કોલેજોમાં ઈન્સપેકશન થઈ રહ્યુ છે.જેટલી અરજીઓ આવી છે તેમાંથી હજુ ૨૦
જેટલી સંસ્થાઓમાં ઈન્સપેકશન બાકી છે. ઈન્સપેકશન બાદ વિભાગ દ્વારા નવી કોલેજોની
મંજૂરી આપવામા આવશે. આ વર્ષે ૧૦૦થી વધુ નવી કોલેજો મંજૂર થાય તેવી શકયતા છે અને જે
સાથે ૬થી૭ હજાર જેટલી બેઠકો આ વર્ષે વધે
તેવી શક્યતા છે.નવી કોલેજોની મંજૂરીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને મેડિકલ
શિક્ષણ વિભાગમાં મોટી સંખ્યામાં આવેલી અરજીઓને લઈને સ્ક્રુટિની અને તપાસની
પ્રક્રિયા પણ લંબાતા પ્રવેશ પ્રક્રિયા પણ
મોડી શરૃ થશે અને મોડે સુધી ચાલશે. કોરોનાને લીધે પણ પ્રવેશ પ્રક્રિયા
પેરામેડિકલમાં હજુ પણ શરૃ થઈ શકી નથી.જો કે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની મુદત પણ
આ વર્ષે ઘણી લંબાવવી પડશે.