માથાભારે વ્યાજખોરોએ વ્યાજ વસુલ્યા બાદ પણ બે ગાડીઓ પડાવી લીધાની રાવ
ધોળકામાં રહેતા વ્યાજખોરોની ખુલ્લી દાદાગીરી
નાણાંની સામે જમા કરાવેલી કાર છોડાવવા માટે અન્ય કાર હિસાબ પેટે મંગાવી લઇ લીધીઃ બોપલ પોલીસે ગુનો નોંધ્યો
અમદાવાદ,સોમવાર
દર મહિના પાંચ ટકા વ્યાજ વસુલ્યા બાદ પણ નાણાં બાકી હોવાનું કહીને દાદાગીરી કરતા વ્યાજખોરોએ હદ વટાવી છે. જેમાં બોપલમાં રહેતા એક વ્યક્તિએ તેની પત્નીની સારવાર માટે નાણાં વ્યાજે લીધા હતા.જેની સામે કાર આપી હતી. જો કે તે પછી નાણાં પરત લેતા સમયે હિસાબ સેટ કરવા પેટે વ્યાજખોરોએ અન્ય કાર મંગાવી હતી. જો કે વ્યાજખોરોએ બંને કાર પડાવીને ધમકી આપી હતી. આ અંગે બોપલ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. બોપલ પાસે આવેલા ગોધાવીમાં રહેતા અલ્પેશ રામાનુજે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે દશ મહિના પહેલા પત્ની અને પુત્રની સારવાર કરવા માટે કરણ ઝાલા (રહે. ધોળકા) પાસેથી પ્રતિમાસ પાંચ ટકા વ્યાજ પેટે ત્રણ લાખ રૂપિયા લીધા હતા. જેની સામે સિક્યોરીટી પેટે કાર જમા લીધી હતી. જે કાર લેવા માટે આકાશ સોનારા નામનો યુવક આવ્યો હતો. જે બાદ દર મહિને તે ૧૫ હજાર રૂપિયા વ્યાજ પેટે ચુકવતા હતા. ચાર મહિના બાદ અલ્પેશભાઇ પાસે ત્રણ લાખ રૂપિયાની વ્યવસ્થા થતા તેમણે કાર પરત લઇને નાણાં ચુકવવા માટે કહ્યું હતું. જો કે કરણ ઝાલાએ અલ્પેશભાઇને કાર પરત આપવાના બદલામાં અન્ય કાર મંગાવી હતી અને તેના પર વ્યાજનો હિસાબ સેટ કરવાની વાત કરી હતી. બીજી તરફ અલ્પેશભાઇના મિત્ર તરૂણ નાથાણીને નાણાંની જરૂર હતી. જેથી તરૂણ નાથાણીને તેમની કારની સામે પાંચ લાખ માંગ્યા હતા. જે બાદ અલ્પેશભાઇ તરૂણ નાથાણીની કાર લઇને ધુમા આવ્યા હતા. જે કાર લેવા માટે આકાશ સોનારા આવ્યો હતો અને કાર લઇને નાણાં લઇને આવવાનું કહીને જતો રહ્યો હતો. જો કે ત્યારબાદ કાર પરત કરી નહોતી અને કરણ ઝાલાએ ધમકી આપી હતી કે આ કાર વ્યાજના હિસાબ પેટે જપ્ત કરીને ધમકી આપી હતી. આમ, કરણ ઝાલાએ બંને કાર પડાવી લીધી હતી. આ અંગે બોપલ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.