રિક્ષાના મિનિમમ ભાડા પેટે હવે રૃપિયા ૧૮ ચૂકવવા પડશે

-રિક્ષાનો ભાડા વધારો પાંચ નવેમ્બરથી અમલી

-પ્રતિ કિમીનું ભાડું હવે રૃ. ૧૦થી વધીને રૃ. ૧૩ઃ વેઇટિંગનું ભાડું ૧ મિનિટનું રૃ. ૧ કરાયું

Updated: Nov 2nd, 2021


Google NewsGoogle News

અમદાવાદ,મંગળવાર

પેટ્રોલ, ડીઝલ સાથે સીએનજીની કિંમતમાં થઇ રહેલા સતત વધારાને પગલે હવે રિક્ષા ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે. રિક્ષાનું મિનિમમ ભાડું હવે રૃપિયા ૧૫ને સ્થાને રૃપિયા ૧૮ કરાયું છે. આગામી પાંચ નવેમ્બરે બેસતું વર્ષ છે ત્યારથી આ ભાવવધારો અમલી બનશે.

સીએનજીની કિંમતમાં મંગળવારે રૃપિયા બેનો વધારો કરાયો હતો. આ સાથે જ સીએનજી કિંમત હવે વધીને રૃપિયા ૬૪.૯૯ થઇ ગઇ છે. સીએનજીની કિંમતમાં સતત થઇ રહેલા વધારાને પગલે રિક્ષાચાલકો છેલ્લા કેટલાક સમયથી રિક્ષા ભાડામાં વધારાને મંજૂરી કરવા સરકાર સમક્ષ દરખાસ્ત કરી રહ્યા હતા. સરકાર દ્વારા ભાવવધારાને મંજૂરી નહીં આપવામાં આવે તો રિક્ષાચાલકોએ હડતાળની પણ ચીમકી આપી હતી.  આખરે મંગળવારે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી સાથે ઓટો રિક્ષા એસોસિયેશનની બેઠક બાદ આ મુદ્દે સમાધાન થઇ ગયું છે.

જેના ભાગરૃપે મિનિમમ ભાડું (૧.૨ કિલોમીટર) જે હાલમાં રૃપિયા ૧૫ છે તે વધારીને રૃપિયા ૧૮ કરવામાં આવશે. પ્રતિ કિલોમીટર ભાડું જે હાલમાં રૃપિયા ૧૦ છે તે વધારીને રૃપિયા ૧૩ કરાશે. પ્રતિ કિલોમીટરનું ભાડું રૃપિયા ૧૦થી વધારીને રૃપિયા કરવા ઓટો રિક્ષા એસોસિયેશનની માગ હતી. વેઇટિંગ ભાડું જે અગાઉ પાંચ મિનિટનું રૃપિયા ૧ હતું તે હવે ૧ મિનિટનું રૃપિયા ૧ કરાશે. ઉલ્લેખનીય છે કે, ભાડા વધારાને મંજૂરી અપાઇ નહોતી તે અગાઉ જ અનેક રિક્ષાચાલકોએ ગત સપ્તાહથી મિનિમમ ભાડા પેટે રૃપિયા ૨૦ વસુલવાનું શરૃ કરી દીધું હતું.

 


Google NewsGoogle News