પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતી મેટ્રો ટ્રેન આગામી ઓગષ્ટમાં દોડતી થઇ જશે
- દેશની આઝાદીના ૭૫ વર્ષે અમદાવાદને મેટ્રો ટ્રેનની ભેટ મળશે
- વસ્ત્રાલ ગામથી થલતેજ અને વાસણાથી મોટેરા સ્ટેડિયમ સુધીના ૪૦ કિ.મી.ના બંને કોરીડોરનું કામ પૂર્ણતાને આરે
અમદાવાદ,તા.11 નવેમ્બર 2021, ગુરૂવાર
અમદાવાદ શહેરમાં આવતા વર્ષ ૨૦૨૨ના ઓગષ્ટ માસમાં મેટ્રો ટ્રેન તેના સંપૂર્ણ રૂટ પર દોડતી થઇ જશે. તે માટે હાલમાં મેટ્રો રેલના કર્મચારીઓ દ્વારા દિવસરાત કામગીરી કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મોટાભાગની કામગીરી પૂર્ણતાને આરે છે. દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિતે સ્માર્ટસિટીને ૪૦ કિ.મી.લાંબી મેટ્રો રેલ સેવાની ભેટ આપવામાં આવનાર છે. એટલેકે આવતા ઓગષ્ટ માસમાં શહેરીજનો અમદાવાદના એક છેડેથી બીજા છેડે જવા માટે મેટ્રો રેલ સેવાનો લાભ લઇ શકશે.
મેટ્રો રેલ પ્રોજેક્ટ ઓગષ્ટ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરીને મેટ્રો ટ્રેન અમદાવાદમાં દોડતી કરી દેવાશે. તે ધ્યેય સાથે તાજેતરમાં જ સાબરમતી રેલવે સ્ટેશને ૭ રેલવે ટ્રેકની ઉપર' ઓપન વેબ ગર્ડર' મુકવામાં આવ્યું હતું. ૭૩ મીટર લાંબુ , ૧૨ મીટર પહોળું તથા ૧૮,૫૦૦ એચએસએફજી બોલ્ટ્સ દ્વારા એક સાથે બાંધવામાં આવેલા૫૫૦ મેટ્રીક ટન કરતા વધુ સ્ટીલ મેમ્બરોથી બનેલું છે.ગર્ડરનું કુલ વજન ૮૫૦ મેટ્રીક ટન છે.
મોટેરા સ્ટેડિયમથી વાસણા એપીએમસી સુધીના ૧૮.૮૭ કિ.મી.લાંબા નોર્થ-સાઉથ કોરીડોરમાં ૧૫ સ્ટેશનો છે. સાબરમતી, એઇસી, સાબરમતી રેલવે સ્ટેશન, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, ઓલ્ડ હાઇકોર્ટ, ગાંધીગ્રામ, પાલડી, શ્રેયાંશ ક્રોસિંગ, રાજીવનગર અને જીવરાજ સ્ટેશન રહેશે.
ઇસ્ટ-વેસ્ટ કોરીડોરની લંબાઇ ૨૧.૧૬ કિ.મી. છે. વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો કોરીડોર છે. તેમાં ૧૭ સ્ટેશન છે. નિંરાત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઇવાડી, એેપરલ પાર્ક, કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર, ઓલ્ડ હાઇકોર્ટ, સ્ટેડિયમ, કોમર્સ છ રસ્તા, ગુજરાત યુનિવર્સિટી, ગુરૂકુળ રોડ, દુરદર્શન કેન્દ્ર, થલતેજ સ્ટેશન વગેરે સ્ટેશનો રહેશે.
અપરલ પાર્કથી શાહપુર સુધી ૬.૬ કિ.મી.નો રૂટ અંડરગ્રાઉન્ડ બની ગયો છે. કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર સ્ટેશન અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. હાલમાં અંડરગ્રાઉન્ડ ટનલ ખોદવાનું કામ પૂર્ણ થઇ ગયું છે રેલવે ટ્રેક પણ પાથરી દેવાયા છે અને છેલ્લો ટચ અપાઇ રહ્યો છે.
સાબરમતી નદી પરથી પણ મેટ્રો બ્રિજ પસાર થશે. જે હાલમાં બની ગયો છે. ૨૯૮ મીટર લાંબો આ બ્રિજ અત્યાધુનિક પદ્ધતિથી બનાવાયો છે. જેમાં ૧,૦૫૦ મેટ્રીક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે. ૫,૫૦૦ ક્યુબીક મીટર ક્રોંક્રિટ વપરાયું છે. ૬ પિલ્લર પર આ બ્રિજ ઉભો છે. ૩૮.૨ મીટરથી લઇને ૪૩.૮ મીટર સુધીના પિલ્લર છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને આ બ્રિજ જોડે છે.
હાલમાં મેટ્રો રેલવેની કામગીરી અમદાવાદમાં લગભગ પૂર્ણતાને આરે છે. છેલ્લો ટચ અપાઇ રહ્યો છે.
દિવાળી વેકેશનમાં મેટ્રો ટ્રેન લોકોનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું
દિવાળી વેકેશનમાં મેટ્રો ટ્રેન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. અમદાવાદની મેટ્રો કેવી છે , તેની મુસાફરીની મઝા કેવી આવે છે તે જોવા-માણવા માટે તા.૪ થી ૧૦ નવેમ્બર સુધીના અઠવાડિયામાં જ ૧૬,૨૬૧ મુસાફરોએ વસ્ત્રાલ ગામથી એપરલપાર્ક સુધી દોડતી મેટ્રો ટ્રેનની સવારી કરીને મજા માણી હતી.
મેટ્રો ટ્રેનમાં કઇ તારીખે કેટલા મુસાફરોએ મુસાફરી કરી?
તારીખ |
મુસાફરો |
૪ |
૯૩૧ |
૫ |
૧,૯૯૪ |
૬ |
૨,૯૮૦ |
૭ |
૩,૩૨૯ |
૮ |
૩,૨૨૩ |
૯ |
૨,૦૯૪ |
૧૦ |
૧,૭૧૦ |