સાયલન્ટ કિલર રહસ્યમય બીમારી સામે મેડિકલ સાયન્સ લાચાર
32 વર્ષના તંદુરસ્ત ક્રિકેટરનું અને GSFC ના 47 વર્ષના કર્મચારીનું હાર્ટ એટેકથી મોત
વડોદરા : કોરોના ભલે હવે જીવલેણ નથી રહ્યો છતાં કોરોના શબ્દ કાને પડતા જ સમગ્ર માણસજાત હજુ પણ ફફડી ઉઠે છે. કોરોના પછીની ઘાતક અસરો વર્તાઇ રહી છે તેમાં હાર્ટ એટેક, હાર્ટ ફેઇલ્યોર, કાર્ડિઆક એરેસ્ટ, બ્રેઇન સ્ટોક જેવા કારણોથી નાની ઉમરના સ્વસ્થ લોકોને અચાનક મોત મુખ્યત્વે છે. તાજેતરમાં જ વડોદરાના બે યુવાનો આ સાયલન્ટ કિલર સમસ્યાના ભોગ બની ગયા. ૩૨ વર્ષના ક્રિકેટરનું અને જીએસએફસીના ૪૭ વર્ષના કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયુ હોવાની ઘટના સામે આવી છે.
બન્નેને ડાયાબિટીઝ કે હાઇ બી.પી. જેવી કોઇ ગંભીર સમસ્યા નહતી, વ્યસનમુક્ત સાદુ જીવન જીવતા હતા
હાલોલનો ૩૨ વર્ષનો યુવાન ક્રિકેટર ભાર્ગવ જયેન્દ્રભાઇ જોષી લસુંદ્રા ગામે આવેલી ખાનગી કંપનીમાં પ્રોડક્શન વિભાગમાં શિફ્ટ ઇન્ચાર્જ તરીકે કામ કરતો હતો. ભાર્ગવ ક્રિકેટર હતો. તે કોર્પોરેટ કંપનીઓની ટીમમાં રમતો હતો અને અનેક વખત મેન ઓફ ધ મેચ અને ઓલ રાઉન્ડરની ટ્રોફી જીતી ચુક્યો હતો.ભાર્ગવના પિતા જયેન્દ્રભાઇ કહે છે કે ભાર્ગવને ડાયાબિટીઝ કે બી.પી. જેવી કોઇ બિમારી નહતી. જીવન પણ સાદુ હતુ. કોઇ વ્યસન નહતું. તા.૧૫ જાન્યુઆરીએ અમે સાથે પતંગો ચગાવી હતી. ભાર્ગવની પત્નીએ બાબાને જન્મ આપ્યો હોવાથી તે પિયર ગઇ હતી.રાત્રે અમે જમીને સુઇ ગયા હતા. રાત્રે ૧૨ વાગ્યે ભાર્ગવ ટોઇલેટમાં ગયો હોય તેવો અવાજ આવ્યો હતો મને. ફરી રાત્રે ૨ વાગ્યે મારી ઊંઘ ઉડી અને ઘરમાં જોયુ તો ભાર્ગવ તેના રૃમમા નહતો. મે ટોઇલેટ ખટખટાવ્યુ તો અંદરથી કોઇ પ્રત્યુતર ના આવ્યો એટલે મે અને ધુ્રમિલે હથોડીથી દરવાજો તોડયો. ભાર્ગવ બેભાન હાલતમાં હતો. તેને હોસ્પિટલ લઇ ગયા તો ડોક્ટરે એમ્બ્યુલન્સમાં જ કહી દીધુ કે ભાગર્વમાં હવે જીવ નથી રહ્યો.
બીજી ઘટના ૯ ફેબુ્રઆરી શુક્રવારે બની હતી. જીએસએફસીમાં સિનિયર ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા અને છાણી અંબિકા નગરમાં રહેતા ૪૭ વર્ષના સુનિલભાઇ મુકુંદભાઇ રામીને શુક્રવારે રાત્રે ૨ વાગ્યાના અરસામાં ગભરામણ થતાં જાગી ગયા હતા. જો કે તે બાદ તેઓને વોમિટ થતાં સારૃ લાગ્યુ હતુ એટલે ફરીથી સુઇ ગયા હતા. ફરીથી રાત્રે ૩ વાગ્યે છાતીમાં દુઃખાવો થતાં ઉઠી ગયા હતા. આથી પત્નીને ગંભીરતાનો ખયાલ આવી ગયો અને તેમણે તુરંત સુનિલભાઇના મિત્રને ફોન કરીને મદદ માટે બોલાવી લીધા. સુનિલભાઇને ૩.૩૦ વાગ્યે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડોક્ટરોએ સીપીઆર આપ્યો, એન્જિયોગ્રાફી કરી, આઇસીયુમાં ખસેડયા પરંતુ સુનિલભાઇને બચાવી ન શક્યા. ડોક્ટરોનું કહેવું હતું કે સુનિલભાઇની ત્રણે ત્રણ નળીઓ બ્લોક હતી. સુનિલભાઇનો પુત્ર હર્ષ કહે છે કે તેમને કોઇ પણ પ્રકારનું વ્યસન નહતું. કોઇ બિમારી નહતી. કોરોના પણ થયો નહતો. રસી મુકાવી હતી.ભોજન પણ દેશી અને સાદુ લેતા હતા.
આસ્થા ટ્રેનમાં અયોધ્ય દર્શન માટે જતા સુંદરપુરાના માજી સરપંચનું હાર્ટ એટેકથી મોત
વડોદરા થી શુક્રવારે આસ્થા ટ્રેનમાં અયોધ્યા દર્શન માટે નીકળેલા વડોદરા નજીકના સુંદરપુરા ગામના ૬૭ વર્ષના શ્રદ્ધાળુનું ચાલુ ટ્રેને હૃદય રોગના હુમલાથી મોત થયું હતું.
વડોદરાથી શુક્રવારે બપોરે ૧૪૦૦ શ્રદ્ધાળુઓને લઈને આસ્થા ટ્રેન અયોધ્યા જવા રવાના થઈ હતી. આ ટ્રેનમાં સુંદરપુરા ગામના ૬૭ વર્ષના માજી સરપંચ રમણભાઈ બાબુભાઈ પાટણવાડીયા પણ તેમના પુત્ર અને અન્ય સંબંધીઓ સાથે અયોધ્યા જઇ રહ્યા હતા. વડોદરાથી રવાના થયા બાદ ટ્રેન શુક્રવારે રાત્રે મધ્ય પ્રદેશમાંથી પસાર થઇ રહી હતી ત્યારે રાત્રે ૧.૩૦ વાગ્યાની આસપાસ તેઓ ટોઇલેટમાં ગયા હતા ત્યાથી પરત સીટ પર આવ્યા ત્યારે ગભરામણ એ છાતીમાં દુખાવાની ફરીયાદ કરીને સીટ પર પડી ગયો હતો.
જેની જાણ આ ટ્રેનમાં સાથે જઈ રહેલા યાત્રાના ઇન્ચાર્જ અને વડોદરાના પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેને થતા તેઓ રમણભાઈ પાસે પહોંચી ગયા હતા અને સીપીઆર આપ્યું હતું જેના કારણે રમણભાઈને થોડુ સારું લાગ્યું હતું. દરમિયાન ટ્રેન મધ્યપ્રદેશના ખંડવા સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનને ત્યાં રોકી દેવામાં આવી હતી અને રમણભાઈને ત્યાં ઉતારી અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું.