અંબાજી મંદિરમાં માતાજીની પાવડી પૂજા બંધ કરી દેવાઇ
- બ્રહ્મ સમાજના મહામંત્રીની સરકારમાં રજૂઆત
- દાંતા સ્ટેટ સમયથી ચાલતી પાવડી પૂજાને કોરોનાના બહાના તળે બંધ કરાતાં બ્રહ્મસમાજમાં ઉગ્ર રોષ
અંબાજી, તા. 17 જાન્યુઆરી, 2021, રવિવાર
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દાંતા સ્ટેટ સમયથી ચાલી આવતી માતાજીની પાવડી પૂજા મંદિર સત્તાવાળાઓ દ્વારા કોરોનાના બહાના તળે પ્રથમ લોકડાઉનથી બંધ કરવાના કારણે રાજ્યના બ્રહ્મસમાજમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે. આ અંગે રાજ્ય બ્રહ્મ સાંસદના મહામંત્રી દ્વારા સરકારમાં રજૂઆત કરી છે.
બ્રહ્મ સમાજના મહામંત્રી ડામરાજી રાજગોરે સરકારને કરેલી રજુઆતમાં જણાવ્યા અનુસાર મંદિર ટ્રસ્ટના સત્તાવાળાઓ કોરોના બહાને માતાજીને કરવામાં આવતી પાવડી પૂજા બંધ કરવામાં આવી છે જે યોગ્ય નથી.
માત્ર બ્રાહ્મણો પાવડી પૂજા કરે તોજ સંક્રમણ થાય છે, આ અન્યાય છે. કાયદા માત્ર પ્રજા માટે નેતાઓ માટે નહીં. આ ઉપરાંત મંદિરમાં પૂજા, અર્ચના કરાવતા બ્રાહ્મણો સામે સત્તાવાળાઓનું અયોગ્ય વર્તન સહિતની અનેક બાબતોમાં બ્રાહ્મણોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. જેને બ્રહ્મસમાજ ચલાવી લેશે નહિ તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
અગાઉ આપવામાં આવેલા આવેદનપત્રમાં જે માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો તેનો હજુ સુધી અમલ કરવામાં આવ્યો નથી તેને સત્વરે અમલ કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવાની બ્રહ્મસમાજને ફરજ પડશે તેવી રજુઆત મહામંત્રીએ જણાવ્યું હતું.