મેડિકલ કોલેજોમાં 75થી વધુ તબીબી શિક્ષકોની સામૂહિક બદલી
- કોરોના ઓસરતા કોલેજોમાં ઈન્સપેકશન શરૂ થતા
- સરકારી અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજોમાં વિવિધ બ્રાંચના અધ્યાપકોની અરસપરસ બદલી
તા. 8 ફેબ્રૂઆરી, 2021, સોમવાર
કોરોના ઓસરતા હવે મેડિકલ કોલેજોમાં બેઠક વધારા માટે અને રીન્યુઅલ પરમિશન માટે ઈન્સપેકશન થનાર છે ત્યારે સરકારે દર વર્ષની જેમ તબીબી શિક્ષકોની બદલીઓનો દૌર શરૂ કર્યો છે. હાલ 75થી વધુ તબીબી શિક્ષકોની બદલીના ઓર્ડર કરવામા આવ્યા છે.
સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને જીએમઈઆરએસ (ગુજરાત મેડિકલ એજ્યુકેશન રીસર્ચ સોસાયટી) હેઠળની અર્ધ સરકારી મેડિકલ કોલેજોમાં અરસપરસ બદલી કરવામા આવી છે.
ગાયનેક, સર્જરી, મેડિસિન, એનેસ્થેસિયા, બાયોકેમિસ્ટિરી, પીડિયાટ્રિક્સ, ઓર્થોપેડિક અને ઈએનટી સહિતની વિવિધ બ્રાંચોના તબીબી શિક્ષકોની બદલી કરવામા આવી છે.જેમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર એમ ત્રણેય કેટેગરીના અધ્યાપકોની બદલી કરવામા આવી છે.
અમદાવાદ,સુરત,વડોદરા, જામનગર, ભાવનગર અને રાજકોટ સહિતની છ સરકારી મેડિકલ કોલેજોમાંથી વધુ પ્રમાણમાં તબીબી શિક્ષકોને અન્ય કોલેજોમાં મુકવામા આવ્યા છે.
ખાસ કરીને જીએમઈઆરએસની કોલેજોમાં સ્ટાફની અછત હોવાથી અન્ય કોલેજોમાંથી તબીબી શિક્ષકોની બદલી કરી મોકલવામા આવ્યા છે.78 જેટલા તબીબી શિક્ષકોની એક સાથે સામૂહિક બદલી કરવામા આવી છે. વડનગર સહિતની જીએમઈઆરએસ કોલેજોમાં છેલ્લા વર્ષનું રીન્યુઅલ પરમિશનનું ઈન્સેપેકશન આવનાર છે જ્યારે કેટલીક કોલેજોમાં બેઠક વધારો થનાર છે.