Get The App

ફરિયાદીના પુન: નિવેદન બાદ મનોજ અગ્રવાલની ફરીથી પૂછપરછ કરાઇ

Updated: Feb 19th, 2022


Google NewsGoogle News
ફરિયાદીના પુન: નિવેદન બાદ મનોજ અગ્રવાલની ફરીથી પૂછપરછ કરાઇ 1 - image


રાજકોટના 75 લાખના તોડકાંડનો મામલો

તોડકાંડના મામલે ફસાયેલી રાજકોટ પોલીસે સાડા ચાર લાખ રૂપિયા કિશન સખીયાને પરત આપ્યાનો વિડીયો પણ પુરાવા રૂપે વિકાસ સહાયને અપાયો

અમદાવાદ : રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે થયેલા રૂપિયા 75 લાખના તોડના ગંભીર આક્ષેપને લઇને ચાલી રહેલી તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. જેમાં તોડનો આક્ષેપ કરનાર જગજીવનદાસ સખિયાએ આ કેસની તપાસ કરી રહેલા આઇપીએસ અધિકારી વિકાસ સહાયને એક વિડીયો અને કેટલાંક અન્ય પુરાવા સોંપ્યા હતા.

જેને લઇને વિકાસ સહાયે ફરીયાદીનું પુન: નિવેદન લીધા બાદ શનિવારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને  બોલાવીને ફરીથી નિવેદન નોંધ્યું હતું.  આમ, સોમવાર સુધીમાં તોડકાંડનો રિપોર્ટ ડીજીપી આશિષ ભાટીયાને સોંપાઇ તેવી શક્યતા છે.

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને રાજકોટ સીટી પોલીસના કેટલાંક અધિકારીઓ સામે ફસાયેલા રૂપિયા કઢાવી આપવાનું કહીને રૂપિયા 75 લાખ લેવાના કેસમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની મુશ્કેલી વધી રહી છે.   

આ કેસની તપાસ કરી રહેલા ટ્રેનીંગ વિભાગના ડીજીપી વિકાસ સહાયને કોરોનામાંથી રીકવરી થતા તેમણે શુક્રવારે ફરીથી ફરીયાદી જગજીવનદાસ સખિયાને પુરાવા માટે બોલાવ્યા હતા. જેમાં તેમણે એક વિડીયો પુરાવા રૂપે આપ્યો હતો.

આ વિડીયોમાં દિવાનપરા પોલીસ ચોકીના પીએસઆઇ એમ એમ ઝાલાએ કિશન સખિયાને  સાડા ચાર લાખ રૂપિયા આપ્યા હતા. જે તોડકાંડના નાણા પૈકીનો હિસાબ હતો. જો કે આ નાણાં રિયાઝ નામના વ્યક્તિ પાસેથી કોણે અપાવ્યા તે અંગે ચોક્કસ ખુલાસો થયો નહોતો.  જેથી તોડકાંડમાં પોલીસ કમિશનર સામે  મહત્વનો પુરાવો સાબિત થશે. જેથી વિકાસ સહાયે પુરાવા સંદર્ભમાં નિવેદન પણ લીઘુ હતું. 

ત્યારબાદ આ મામલે વિકાસ સહાયે શનિવારે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને પુન: નિવેદન માટે બોલાવીને ફરીયાદીએ આપેલા પુરાવા અંગે અન્ય બાબતો અંગે પુછપરછ કરી હતી. મનોજ અગ્રવાલની સાથે ડીસીપી હરેશ દુધાતનું નિવેદન લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. 

જે બાદ હવે સોમવાર સુધીમા વિકાસ સહાય દ્વારા રિપોર્ટ સોંપવામાં આવશે. તેવી શક્યતા સુત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  બીજી  તરફ સોમવારે જગજીવનદાસ સખિયા અને કિશન સખિયા આ તોડકાંડ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળીને આ મામલે તટસ્થ કાર્યવાહી કરવા માટે રજૂઆત કરશે.


Google NewsGoogle News