પૂર્વ વન મંત્રી મંગુભાઇ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ બન્યા
નવસારી જિલ્લામાંથી કુમુદબેન જોષી પછી
મંગુભાઇ પટેલ 6 ટર્મ ધારાસભ્ય, વિધાનસભાના ઉપાધ્યક્ષપદે પણ સેવા આપી ચૂક્યા છે
અમદાવાદ : પૂર્વ વન મંત્રી મંગુભાઇ પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. છેલ્લા કેટલાંક મહિનાથી મધ્યપ્રદેશના રાજ્યપાલનો ચાર્જ આનંદીબેન પટેલ પાસે હતો.
ઉલ્લેખનીય છેકે, મંગુભાઇ પટેલ નવસારી જિલ્લામાંથી બીજા રાજ્યપાલ બન્યાં છે. આ અગાઉ કોગ્રેસની સરકારમાં કુુમુદબેન જોશીને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતાં. રાજ્યપાલ તરીકે નિયુક્તિ થતા ભાજપના કાર્યકરોએ મંગુભાઇ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી.
આદિવાસી નેતા મંગુભાઇ પટેલ 27 વર્ષ સુધી ધારાસભ્ય તરીકે રહ્યા હતાં. પાંચ વાર તેઓ નવસારી બેઠક પર ચૂંટાયા હતાં જયારે એક વાર ગણદેવી બેઠક પર ચૂંટાયા હતા. મંગુભાઇ પટેલ 18 વર્ષ સુધી મંત્રી રહ્યા છે. તેઓએ વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપી ચૂક્યાં છે.
મંગુભાઇ પટેલે કેશુભાઇ પટેલ,આનંદીબેન પટેલ ઉપરાંત નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મંત્રીપદે કામ કર્યુ હતું. ખાસ કરીને મંગુભાઇ પટેલે ગુજરાત સરકારમાં વન-પર્યાવરણ મંત્રી તરીકે ખુબ જ સરાહનીય કામગીરી કરી છે જેમાં વનબંધુ યોજના ઉપરાંત આદિવાસી વિસ્તારમાં સિકલસેલ-એનિમિયા નાબુદી માટે તેમણે સારી કામગીરી નીભાવી હતી.
કોરાના કાળમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગુભાઇ પટેલને ફોન કરીને તેમના ખબરઅંતર પૂછયા હતાં. રાજ્યપાલ તરીકે નિયુક્તિ થતાં સમગ્ર નવસારી-ગણદેવી વિસ્તારમાં ખુશીની લાગણી પ્રસરી છે. આ તરફ, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાનો કાર્યકાળ પૂર્ણ થયો છે. તેઓ થોડાક જ દિવસોમાં રાજકોટ પરત ફરશે.
કર્ણાટકના રાજ્યપાલપદે વજુભાઇ વાળાનો કાર્યકાળ પૂર્ણ
સાત વર્ષ બાદ વજુભાઇ વાળાની ઘરવાપસી
એક બાજુ,મધ્યપ્રદેશ સહિત સાત રાજ્યોના નવા રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી છે તો બીજી તરફ,કર્ણાટકના રાજ્યપાલપદે વજુભાઇ વાળાનો કાર્યકાળ પૂર્ણ થયો છે જેના પગલે સાત વર્ષ બાદ વજુભાઇ વાળાની ગુજરાતમાં ઘરવાપસી થશે.
વજુભાઇ વાળાએ તા.1લી સપ્ટેમ્બર 2014ના રોજ કર્ણાટકના રાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. મુત્સદી રાજકારણી ઉપરાંત રમૂજી સ્વભાવ ધરાવતા વજુભાઇ વાળા રાજકોટ પશ્ચિમ બેઠક પર સૌ પ્રથમવાર ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા હતાં.
ગુજરાત વિધાનસભામાં 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ વજુભાઇ વાળાના શિરે રહ્યો છે.તેઓ આઠ ટર્મ સુધી ધારાસભ્યપદે રહ્યા હતાં. રાજ્યપાલ તરીકેનો કાર્યભાર પૂર્ણ થતા જ વજુભાઇ વાળા ટૂંક જ સમયમાં રાજકોટ પરત ફરશે.રાજકારણમાં વ્યસ્ત વજુભાઇ હવે વતનમાં ઘરવાપસી કરી સ્વજનો,મિત્રો સાથે જૂની યાદો તાજા કરવા ઉત્સુક છે.