Get The App

આજે સોશિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે પ્રભુ મહાવીરનું જન્મ વાંચન

- પ્રભુ મહાવીર સ્વામીને વિશિષ્ટ આંગી કરાશે

- ઉછામણી વખતે સૌથી વધુ બોલી બોલનારા ભાવિકો જ ઉપાશ્રયોમાં જન્મ વાંચન વખતે ઉપસ્થિત રહેશે

Updated: Aug 18th, 2020


Google News
Google News

અમદાવાદ,મંગળવાર

પર્વાધિરાજ પર્યુષણનું પર્વ આસ્થાપૂર્વક આગળ ધપી રહ્યું છે. આવતીકાલે પર્યુષણ પર્વનો પાંચમો દિવસ છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે પ્રભુ મહાવીર સ્વામીના જન્મનું વાંચન કરવામાં આવશે.

પ્રભુ મહાવીર સ્વામીના જન્મ વાંચન વખતે માતા ત્રિશલાને આવેલા ૧૪ સ્વપ્નોનું વર્ણન કરવામાં આવે છે. આ ઉપરાંત અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જૈન સંઘોમાં ૧૪ સ્વપ્નોની ઉછામણી કરાતી હોય છે. અમદાવાદ જૈન મહાસંઘે જણાવ્યું છે કે, ' કોરોના મહામારીને પગલે અમદાવાદના મોટાભાગના સંઘોમાં આ વખતે અગાઉથી ઓનલાઇન જ ઉછામણી કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ બોલી બોલનારા જ આવતીકાલે મહાવીર સ્વામી જન્મ વાંચનમાં ઉપસ્થિત રહેશે.જન્મ વાંચન બાદ જૈનો દ્વારા ઘરમાં જ શ્રીફળ વધેરવામાં આવશે. કોરોનાની મહામારીમાં પ્રત્યેક સંઘ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે તહેવારોની ઉજવણી કરે તેવો અનુરોધ છે. '

અનેક સંઘો દ્વારા પ્રભુ મહાવીર સ્વામી જન્મ વાંચનનું સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે ભગવાન મહાવીપની વિશેષ પૂજા-અર્ચના-આંગી પણ કરાશે. આચાર્ય રત્નસુંદરસૂરીજીએ જણાવ્યું કે, 'જો હૃદયમાંથી તુચ્છતાને બદલે ઉદાત્તા સ્થાન જમાવી દે, દરિદ્રતાને બદલે સંતોષના બેસણા થાય, કૃપણતાને બદલે ઉદારતા સ્થાન પામે તો પરમાત્માના જન્મ વાંચન પ્રસંગે આપણા હૃદયમાં પરમાત્મનો જન્મ થઇને જ રહે છે. '

 

 

Tags :