મહાદેવબુકના સૌરભ ચંદ્રાકર વિરૂદ્વ દેશમાં ૨૦૦થી વધુ ગુના નોંધાયા છે
ભીલાઇ છતીસગઢથી તેની કોર ટીમના ૨૦ લોકોને દુબઇ સેટલ કર્યા
દેશના કોઇપણ રાજ્યની પોલીસ હજુસુધી સૌરભ સુધી પહોંચવામાં નિષ્ફળ સૌરભ પાસે સમગ્ર દેશમાં ૧૦૦૦થી વધુ ફ્રેન્ચાઇઝી હોવાનો અંદાજ
અમદાવાદ,શુક્રવાર
અમદાવાદ શહેર પોલીસની પીસીબી દ્વારા માધુપુરામાં દરોડો પાડીને સટ્ટાબેટિંગના પાંચ હજાર કરોડ જેટલા આર્થિક વ્યવહારો સાથે ગુજરાતના સૌથી મોટા સટ્ટા બેટિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જેમાં હર્ષિત જૈૈન દુબઇ સ્થિત મહાદેવ બુકી ઉર્ફે સૌરભ ચંદ્રાકર માટે કામ કરતો હોવાનો ખુલાસો થયો હતો. દુબઇમાં મહાદેવ બુકના નામે ભારતનો સૌથી મોટુ સટ્ટાબેટિંગ ચલાવતા સૌરભ ચંદ્રાકર વિરૂદ્વ નાના-મોટા મળીને કુલ ૨૦૦થી વધુ ગુના નોંધાઇ ચુક્યા છે. જો કે હજુ સુધી એકપણ કેસમાં પોલીસ મહાદેવ બુકી ઉર્ફે સૌરભ ચંદ્રાકર સુધી પહોંચી શકી નથી. આ દરમિયાન તેણે સટ્ટા બેટિંગના નેટવર્કને અનેક ગણુ વિસ્તારી દીધુ છે.પીસીબીએ થોડા દિવસ પહેલા માધુપુરામાં દરોડા પાડીને મહાવીર એન્ટરપ્રાઇઝમાં ટ્રેડીંગના ધંધાની આડમાં ચાલતા સટ્ટા બેટિંગના ગુજરાતના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેેમાં શાહીબાગ પલ્લવી સોસાયટીમાં રહેતો હર્ષિત જૈન અત્યાર સુધી પાંચ હજાર કરોડ રૂપિયાનો સટ્ટા બેટિંગ રમાડી ચુક્યો હતો. આ સટ્ટાબેટિંગનો મુખ્ય સુત્રધાર દુબઇમાં રહેતો મહાદેવ બુકી ઉર્ફે સૌરભ ચંદ્રાકર હોવાનું તપાસમાં ખુલ્યું હતું. સૌરભ ચંદ્રાકર મુળ ઝારખંડના ભીલાઇનો છે અને ૧૦ વર્ષ પહેલા તે જ્યુસની દુકાન ચલાવતો હતો પણ તેણે સ્થાનિક સ્તરે સટ્ટા બેટિંગ શરૂ કર્યા બાદ તેણે તેના ખાસ ગણાતા રવિ ઉપ્પલ સહિત ૧૦ લોકો સાથે મળીને તેણે ઝારખંડમાં સટ્ટા બેટિંગનું નેટવર્ક પોતાના નામે કર્યું હતું. પરંતુ, પોલીસની ભીંસ વધતા સૌરભ તેના ખાસ માણસો સાથે દુબઇ જતો રહ્યો હતો. જ્યાં તેણે મોટાગજાના બુકીઓ માટે કામ કરતા કરતા મહાદેવ બુક શરૂ કરી હતી અને બાદમાં વર્ષ ૨૦૧૮થી અત્યાર સુધીમાં તો પોતાના ગેરકાયદેસર કારોબારની મદદથી કરોડો રૂપિયા સુધી પહોંચાડી દીધો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મહાદેવ બુક પાસે સમગ્ર ભારતમાં ૧૦૦૦ થી વધુ ફ્રેન્ચાઇઝ છે. જે તેના વતી પ્રતિદિન અબજો રૂપિયાનો કારાબોર કરે છે. ઉપરાંત, એક લાખ જેટલા નાના-મોટા બુકીઓની ફૌૈજ છે. જે મહાદેવ બુક માટે કામ કરે છે.મહાદેવ વિરૂદ્વ અનેક ગુના નોધાયા બાદ પણ દેશના કોઇપણ રાજ્યની પોલીસ તેના તેની કે તેની કોર ટીમના મેમ્બર સુધી પહોંચી શકી નથી. ત્યારે અમદાવાદ પોલીસે હાલ એસઆઇટી બનાવીને તપાસ શરૂ કરી છે. પરંતુ, મહાદેવ બુક સુધી પહોંચવાનું કે તના નેટવર્કનો ખાતમો બોલાવવા પોલીસને ભારે કવાયત કરવી પડે તેમ છે.