હેલ્મેટ બ્રીજ પર સ્કૂટર પર જતી યુવતીને બસચાલકે કચડી
ટ્રાફિક પોલીસના નાક નીચે ચાલતી ખાનગી ટ્રાવેલ્સની બસે વધુ એક ભોગ લીધો
મૃતક યુવતી નારણપુરામાં તેના ભાઇ સાથે રહીને ખાનગી કંપનીમાં નોકરી કરતી હતીઃ માથા પર ટાયર ફરી વળતા યુવતીનું સ્થળ પર જ મોત નીપજ્યું
અમદાવાદ, શુક્રવાર
શહેરમાં સવારે આઠ વાગ્યા બાદ ખાનગી ટવેલ્સની બસને પરમીશન ન હોવા છતાંય, નિયમોની ઐતીસૈતી કરીને બેરોકટોકર રીતે અનેક બસ ચલાવવામાં આવે છે. જેના કારણે અનેકવાર નાના મોટા અકસ્માત થતા રહે છે. શુક્રવારે સવારે સાડા દશ વાગે ૨૪ વર્ષીય યુવતી હેલ્મેટ બ્રીજ પર સ્કૂટર લઇને જઇ રહી હતી ત્યારે એક ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે ટક્કર મારીને તેના પર બસનું ટાયર ચઢાવી દીધું. જેમાં તેના માથામાં ગંભીર ઇજાઓ થતા તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બસ ચાલક નાસી ગયો હતો. પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે સવારે આઠ વાગ્યા બાદ ટ્રાવેલ્સ બસને શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. તેમ છતાંય, નિયમોને નેેવે મુકીને પોલીસના નાક નીચે જ ગેરકાયદેસર રીતે વાહનો ચલાવવામાં આવે છે. શહેરના પ્રગતિનગર શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતી ૨૪ વર્ષીય નેન્સી મચ્છર ખાનગી કંપનીમાં ફરજ બજાવતી હતી. શુક્રવારે સવારે ૧૦ વાગે તે નિત્યક્રમ મુજબ સ્કૂટર પર નોકરી જવા માટે નીકળી હતી. એઇસી બ્રીજ ઉતરીને તે હેલ્મેટ બ્રીજ પરથી પસાર થઇ રહી હતી. ત્યારે પાછળથી એક ટ્રાવેલ્સની બસ પુરઝડપે આવી હતી. જેની ટક્કર લાગતા નેન્સી નીચે પટકાઇ હતી. આ સમયે બસનું ટાયર તેના માથા અને હાથ પર ફરી વળતા ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભયુ મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ બસ ચાલક ત્યાંથી નાસી ગયો હતો. આ બનાવને પગલે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે નેન્સી મચ્છરનો પરિવાર ભાવનગરના કાળુભા રોડ પર આવેલા જસ્મીન ફ્લેટમાં રહે છે. નેન્સી અમદાવાદ નારણપુરા ખાતે તેના ભાઇ અર્જુન સાથે રહીને બોપલની ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. બસચાલક અંગે પોલીસને તપાસ કરી ત્યારે વિગતો ખુલી હતી કે તે બસચાલક ગુરૂવારે રાતના રાજસ્થાનથી પેસેન્જર લઇને વાળીનાથ ચોક આવ્યો હતો. જ્યાંથી સવારે નારોલ બસ રિપેર કરવામાં માટે જઇ નારોલ જઇ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અંગે બી ડીવીઝન ટ્રાફિક પોલીસે મૃતકના ભાઇની ફરિયાદને આધારે ગુનો નોંધીને બસચાલક કાંતી રામજી કટારા (રહે,ડુંગરપુર, રાજસ્થાન)ને ઝડપી લીધો હતો.
હાઇકોર્ટનો આદેશ છતાંય, બેરોકટોક ચાલતી ખાનગી બસો
શહેરમાં ખાનગી લક્ઝરી બસોના કારણે અનેક અકસ્માતો થતા શહેરમાં
સવારે આઠ થી રાતના ૧૦ વાગ્યા સુધી પ્રવેશ પર તેમજ અવરજવર પ્રતિબંધ મુકાયો છે. તેમ છતાંય, અનેકવાર બસના સંચાલકો
નિયમોનો ભંગ કરે છે. શહેરના વાળીનાથ ચોક પર આવતી ખાનગી ટવેલ્સની બસોને મેમનગર જતા રસ્તા
પર આડેધડ પાર્ક કરવામાં આવે છે. તેમ છતાંય,
પોલીસ દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.