અમદાવાદ સાયબર સેલનો LRD રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયો

સાયબર ક્રાઇમ હવે લાંચ રૂશ્વત બ્યુરોની ઝપટમાં આવ્યું

અરજીના આધારે ગુનો ન નોંધવાનું કહીને અગાઉ ટુકડે ટુકડે સાત લાખ જેટલી રકમ લીધી હતીઃ એસીબીએ શાહીબાગ ટેલિફોન એક્સચેંજ પાસે ટ્રેપ ગોઠવી

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
અમદાવાદ સાયબર સેલનો LRD રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા  ઝડપાયો 1 - image

અમદાવાદ,ગુરૂવાર

અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસની સૌથી વિશ્વસનીય એજન્સી ગણાય છે પરંતુ, હવે સાબયર સેલમાં મોટાપાયે ભ્રષ્ટચાર ચાલતો હોવાની બાબત સામે આવી છે.  લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના સ્ટાફે સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા એલઆરડીને રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો. સાયબર ક્રાઇમમાં એક વ્યક્તિ વિરૂદ્વ અરજી થઇ હતી. જે અંગે ફરિયાદ  ન નોંધવા અને તેનું ફેડરલ બેંકનું ફ્રીઝ થયેલું એકાઉન્ટ ખોલવાની ખાતરી આપીને કુલ ૧૦ લાખની માંગણી કરી હતી. જે પૈકી સાત લાખ રૂપિયા અગાઉ લઇ લીધા હતા અને બાકીના ત્રણ લાખની રોકડ સ્વીકારતા સમયે એલઆરડી જવાન ઝડપાઇ ગયો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ  વિરૂદ્વ  સાયબર ક્રાઇમ સેલમાં  અરજી  થઇ હતી. જેમાં છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને સાથેસાથે  લાખો રૂપિયાનું બેલેન્સ ધરાવતું તેનું ફેડરલ બેંકનું એકાઉન્ટ પણ ફ્રીઝ  થયું હતું.  જે સંદર્ભમાં સાયબર સેલમાં એલઆરડી જવાન તરીકે ફરજ બજાવતા હરદિપસિંહે  તેને  કહ્યું  કે આ કેસની તપાસમાં ગુનો દાખલ થશે  તેમજ ફ્રીઝ થયેલા નાણાં પણ પરત નહી મળે . તે પછી હરદિપસિંહે  ફરિયાદ ન થાય તેમજ  બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવાનું કહીને ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે પૈકીના સાત લાખ રૂપિયા અગાઉ અલગ અલગ સમયે લઇ લીધા હતા.  તે પછી બાકીના ત્રણ લાખની માંગણી સતત ચાલુ રાખી હતી. જે અંગે ફરિયાદીએ આ અંગે એસીબીમાં જાણ કરી હતી. જેના આધારે શાહીબાગ ટેલિફોન એક્સચેંજ પાસે ગુરૂવારે એસીબીએ છટકું ગોઠવીને એલઆરડી હરદિપસિંહને  ત્રણ રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી લેવાયો હતો. જે અંગે એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News