Get The App

કિરીટ પરમાર અમદાવાદના 42મા મેયર : ગીતા પટેલ ડેપ્યુટી મેયર

- મ્યુનિ.ના હોદ્દેદારોની વરણી : હિતેશ બારોટ સ્ટે. કમિટીના ચેરમેન

- ભાજપે શિડયુલ કાસ્ટમાંથી મેયર બનાવવા ઉપરાંત પાટીદાર, બક્ષીપંચ, હિંદીભાષી અને બ્રાહ્મણને હોદ્દેદાર બનાવ્યા

Updated: Mar 10th, 2021


Google News
Google News
કિરીટ પરમાર અમદાવાદના 42મા મેયર : ગીતા પટેલ ડેપ્યુટી મેયર 1 - image


અમદાવાદ, તા. 10 માર્ચ, 2021, બુધવાર

અમદાવાદ શહેરના મેયર-ડેપ્યુટી મેયર સહિત અન્ય હોદ્દેદારોની નિમણૂંક કરવા પાલડીના ટાગોરહોલ ખાતે મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી ટર્મની પ્રથમ સામાન્ય સભામાં શહેરના 42માં મેયર તરીકે કિરીટ પરમારની તેમજ ડેપ્યુટી મેયર તરીકે ગીતાબહેન પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હીતેશ બારોટ, દંડક તરીકે અરૂણસિંહ રાજપૂત જયારે પક્ષનેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શરૂ થયેલી વર્ષ-2021થી નવી ટર્મના હોદ્દેદારોની વરણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વર્ચસ્વ જોવા મળ્યું છે. મ્યુનિસિપલ હોદ્દેદારોની કરવામાં આવેલી નિમણૂંક બાદ ભાજપ દ્વારા જ્ઞાાતિ આધારીત સમીકરણોને બેલેન્સ કરવા મેયર શિડયુઅલ કાસ્ટમાંથી પસંદ કરવા ઉપરાંત ડેપ્યુટી મેયર મહિલા હોવાપરાંત પાટીદાર છે.તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બક્ષી પંચમાંથી પસંદ કરવામાં આવ્યા છે.દંડક તરીકે હીંદીભાષી અને પક્ષનેતા તરીકે બ્રાહ્મણ જ્ઞાાતિના કોર્પોરેટરની વરણી કરવામાં આવી છે.

શહેરના ટાગોરહોલ ખાતે બુધવારે મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભાના આરંભે મ્યુનિસિપલ કમિશનરે ચૂંટણી પ્રક્રીયા હાથ ધરી હતી.આ પ્રક્રીયા દરમ્યાન મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે જેમને ઉમેદવારી કરવી હોય એમને દાવેદારી રજુ કરવા સમય આપવામાં આવ્યો હતો.નિયત સમયમાં મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે માત્ર બે નામ જ સામે આવ્યા હતા.

કોંગ્રેસ તરફથી એક પણ પદ માટે ઉમેદવાર ઉભા રાખવામાં ના આવતા શહેરના 42માં મેયર તરીકે ઠકકરબાપાનગર વોર્ડમાંથી ત્રીજી ટર્મ માટે ચૂંટાઈને આવેલા કિરીટ પરમારની મેયર પદ માટે અને ગીતાબહેન પટેલની ડેપ્યુટી મેયર તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી.કમિશનર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત બાદ ભાજપના હાજર કોર્પોરેટરોએ ભારત માતા કી જય અને વંદેમાતરમના સૂત્રો સાથે હોલ ગજવી મુકયો હતો.

અધ્યક્ષસ્થાનેથી મેયરે સ્ટેન્ડિંગ કમિટી માટે મંજુર કરવામાં આવેલા બાર નામોની જાહેરાત કરી હતી.જે સત્તરના ઉમેદવારી પત્ર સેક્રેટરી સમક્ષ મંગળવારે ભરવામાં આવ્યા હતા. એ પૈકી જતીન પટેલ, જૈનિક વકીલ, પ્રિતેશ મહેતા, પરેશ પટેલ અને શંકર ચૌધરીના ઉમેદવારીપત્ર પરત લેવામાં આવતા જ સ્પષ્ટ બન્યુ હતુ કે,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હીતેશ બારોટની વરણી કરવામાં આવશે.

એ પ્રમાણે 33 વર્ષ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે બક્ષીપંચના કોર્પોરેટરની નિમણૂંક કરવામાં આવી છે.1987માં સ્વ.પ્રફૂલ્લ બારોટને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનાવાયા હતા.દંડક તરીકે અરૂણસિંહ રાજપૂત અને પક્ષનેતા તરીકે ભાસ્કરભટ્ટની નિમણૂંક કરવામાં આવી છે.

વીરાભગતની ચાલીથી મેયર પદ સુધી પહોંચ્યા કિરીટ પરમાર

અમદાવાદ શહેરના 42માં મેયર પદે જેમની નિમણૂંક કરવામાં આવી છે એવા કિરીટ પરમારની આ ત્રીજી ટર્મ છે.ગત ટર્મમાં તે સરસપુર વોર્ડમાંથી ચૂંટાઈને કોર્પોરેટર બન્યા હતા.ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે પણ તેમને નિમણૂંક આપવામાં આવી હતી.નવા મેયર એ બાપુનગર વિસ્તારમાં આવેલી વીરાભગતની ચાલીમાં એકરૂમના મકાનમાં રહે છે.સંઘ સાથે નિકટતમ ઘરોબો ધરાવતા કિરીટ પરમારની સ્વચ્છ પ્રતિભા હોવાના કારણે પક્ષે તેમને મેયર પદે નિમણૂંક આપી હોવાનું ભાજપ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

મેયર બંગલાનો જરૂર પુરતો જ ઉપયોગ કરીશ : નવ નિયુકત મેયર

અમદાવાદ શહેરના મેયર પદે નિમણૂંક આપવામાં આવ્યા બાદ અપરિણીત એવા નવનિયુકત મેયરે આપેલી પ્રતિક્રીયામાં તેમણે કહ્યુ,હાલ હું જયાં રહુ છુ એ મકાન ખુબ નાનુ છે.આમ છતાં મેયર બંગલાનો જરૂર પુરતો જ ઉપયોગ કરીશ.કોઈ મહત્વની મિટીંગ અથવા તો કાર્યક્રમ હોય એવા સંજોગોમાં જ મેયર બંગલાનો ઉપયોગ કરવામાં આવશે.બાકી હું પ્રજાની વચ્ચે રહીને જ કામગીરી કરીશ.

1987થી 2021 સુધીમાં પૂર્વ  વિસ્તારમાંથી મેયરપદ સુધી પહોંચનારા સાતમા કોર્પોરેટર

વર્ષ-1986માં અમદાવાદ શહેરના ઉત્તર અને પૂર્વના વિસ્તારોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવવામાં આવ્યા હતા.બાદમાં વર્ષ-1987માં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી.એ સમય બાદથી નવા મેયર બનેલા કિરીટ પરમાર અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યા બાદ સાતમા કોર્પોરેટર બન્યા છે જે શહેરના મેયર બની શકયા છે.આ અગાઉ આ વિસ્તારોમાંથી મેયર બનનારાઓની યાદી આ મુજબ છે.

નામ

વિસ્તાર

પ્રફુલ્લ બારોટ

સરસપુર

નંદલાલ વાધવા

કુબેરનગર

લાલજી પરમાર

બહેરામપુરા

માલિની અતીત

સરસપુર

હિંમતસિંહ પટેલ

ગોમતીપુર

અસિત વોરા

મણિનગર

કિરીટ પરમાર

ઠકકરનગર

Tags :