Get The App

ગંદા પાણીથી ઉભરાતી ખારીકટ કેનાલ પૂર્વ અમદાવાદ માટે મોટી સમસ્યા બની

- કેનાલના પટ્ટામાં આવેલી સોસાયટીઓમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ

- ગટરના, ઔદ્યોગિક એકમોના પ્રદુષિત પાણી બેફામ ઠલવાઇ રહ્યા છે, કેનાલ રોગચાળાનું ઘર બની ગઇ

Updated: Aug 11th, 2022


Google NewsGoogle News

અમદાવાદ,તા.11 ઓગષ્ટ 2022, ગુરૂવારગંદા પાણીથી ઉભરાતી ખારીકટ કેનાલ પૂર્વ અમદાવાદ માટે મોટી સમસ્યા બની 1 - image

પૂર્વ અમદાવાદમાંથી પસાર થતી ખારીકટ કેનાલ ચોમાસા દરમિયાન લોકો માટે વધુ મુશ્કેલીરૂપ બની રહી છે. ગટરના, વરસાદી, કેમિકલવાળા પાણી તેમજ ઔદ્યોગિક એકમો અને ઘરનો કચરો સીધો તેમાં બેરોકટોક ઠલવાઇ રહ્યો છે. આ સ્થિતિમાં નરોડાથી નારોલના પટ્ટામાં ખારીકટ કેનાલની બંને છેડે આવેલા રહેણાંક  મકાનોના રહીશો નર્કાગારમાં જીવી રહ્યા છે. 

ખારીકટ કેનાલમાં સીટીએમ, ઓઢવ, વિરાટનગર, નરોડા, નિકોલ, રામોલ, વટવા સહિતના  પટ્ટામાં હાલ કાળું ડામર જેવું પાણી કેનાલમાં વહી રહ્યું છે. સ્થાનિકો જણાવી રહ્યા છેકે આ પાણી કેમિકલવાળા એકમોનું છે. મોહરમ , રક્ષાબંધનની રજાનો લાભ લઇને કેમિકલવાળું પાણી કેનાલમાં ગેરકાયદે રીતે છોડાયું હોવાનું રહીશોનું માનવું છે.

કેનાલમાંથી ભારે દુર્ગંધ મારે છે, અધુરામા ંપુરૂ કેનાલના પટ્ટામાં રહેતા લોકો પણ બિનજવાબદારી પૂર્વક ઘરનો કચરો, એંઠવાડ સીધો જ કેનાલમાં પધરાવી રહ્યા છે. આજ ગંદકી તેઓનો હાલ નડી રહી છે. કેનાલને સાફ રાખવાના મ્યુનિ.તંત્રના તમામ પ્રયાસો અત્યાર સુધીમાં નિષ્ફળ રહ્યા છે. 

સીસીટીવી કેમેરા મૂક્યા, ઠેરઠેર ડસ્ટબિનો મુકી, કચરાપેટીઓની સાઇટો ઉભી કરી, ગેરકાયદે ગટર, ઔદ્યોગિક એકમોના જોડાણો કાપ્યા છતાંય સરવાળે કંઇ વળ્યું નહીં. હાલ આ તમામ વ્યવસ્થાઓ પડી ભાગી છે. કેનાલ હાલમાં રામભરોસે છોડી દેવાઇ છે.

પૂર્વ અમદાવાદમાં ચોમાસામાં કેનાલ રોગચાળાનું મૂળ બની ગઇ છે. મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આજુબાજુના મકાનોમાં સાંજ પડતા જ મોટા મચ્છરો ઘરમાં ઘુસી જાય છે. જે સૌથી મોટી સમસ્યા છે. ધુપ,ધુમાડા પણ હવે મચ્છરોની સામે બિનઅસરકારક પુરવાર થઇ રહ્યા છે. આ સ્થિતિમાં લોકો ડેન્ગ્યું, મલેરિયા સહિતના રોગનો ભોગ બન્યા છે.

રહીશોએ જવાબદારીપૂર્વક વર્તવું જોઇએ, મ્યુનિ.તંત્રે શક્ય તમામ પ્રયાસો ચાલુ રાખવા જોઇએ તો જ કેનાલને લગતા તમામ સમસ્યાનો ઉકેલ મળશે. ખારીકટ સિંચાઇ માટેની કેનાલ છે. તેમાંથી દસક્રોઇ તાલુકાના ગામોને સિંચાઇનું પાણી પુરૂ પડાય છે. 

અમદાવાદની ગટરો, ઔદ્યોગિક એકમોનું દુષિત પાણી જ સિંચાઇમાં વપરાઇ રહ્યું છે. કેનાલમાં પ્લાસ્ટિક, મૃત પશુપક્ષી, ગોદળા, નાળિયેર સહિતનો કચરો પણ સીધો ખેતીલાયક જમીનમાં ઠલવાઇ રહ્યો હોવાથી જમીન પણ તેની ફળદ્રુપતા ગુમાવી રહી હોવાનું ખેડૂતોનું માનવું છે.



Google NewsGoogle News