ખાડિયામાં નોંધાયેલી મની લોન્ડરીંગની રાવમાં ફરિયાદીએ પુરાવા જ ન આપ્યા
યુવકે ઝેરી દવા પીને નિવેદન આપતા પોલીસે ફરિયાદ નોંધી!
દોઢ લાખની રકમ વ્યાજે લીધાના કોઇ પણ આધાર પુરાવા ન હોવાનું નિવેદન ફરિયાદીએ પોલીસ સમક્ષ આપ્યું ઃ ખોટી ફરિયાદ કરીને સેટલમેન્ટના નામે તોડ કરવાના હેતુથી ફરિયાદ કરાયાનો આક્ષેપ
અમદાવાદ,
ગુરૂવાર
શહેરના ખાડિયા પોલીસે ગત ૧૬મી માર્ચના રોજ ભુતની આંબલી પાસેની કોઠની પોળમાં રહેતા જીતેન ત્રિવેદી નામના વ્યક્તિએ શાહીબાગમાં રહેતા મહિલા એડવોકેટ અને તેના પતિ વિરૂદ્વ મની લોન્ડરીંગની ફરિયાદ નોંધાવી હતી. જો કે કેસની પ્રાથમિક તપાસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં ખાડિયા પોલીસ સમક્ષ જીતેને ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે કે તેની પાસે એવા કોઇ પુરાવા નથી કે તેણે મહિલા એડવોકેટના પતિ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા તેમજ મહિલા વકીલે તેને બદનામ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, તેણે ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબના ટેકનીકલ પુરાવા પણ ફરિયાદથી વિપરીત હોવાનું ખુલ્યું છે. ત્યારે ખાડિયા પોલીસે તપાસ કર્યા વિના જ ગુનો નોંધીને કાર્યવાહી કરી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હવે આ ફરિયાદ કોર્ટમાં રદ કરવાની કાર્યવાહી ઉપરાંત, જીતેન ત્રિવેદીએ ક્યા આધારે લેન્ડ ગ્રેબિગની ફરિયાદ કરી હતી? તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.ખાડિયા ભૂતની આંબલી પાસે આવેલા કોઠની પોળમાં રહેતા જીતેન ત્રિવેદીએ ગત ૧૬મી માર્ચના રોજ ખાડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે રાયપુરમાં રહેતા આશિષ પટેલ પાસેથી તેણે ૧૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જે ગુગલ પેથી નાણાં ચુકવી દીધા હોવા છંતાય, ૪૦ હજારની ઉઘરાણી કરવામાં આવતી હતી અને નાણાં ન મળતા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. આ ઉપરાત, જીતેને ફરિયાદ અન્ય બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે એક વર્ષ પહેલા તે સારંગપુર ન્યુ ક્લોથ માર્કેટ બેસતો હતો ત્યારે તેની મુલાકાત વિજયસિંહ કલહંસ (રહે.ગુરૂકુળ સોસાયટી, સર્કીટ હાઉસ પાસે, શાહીબાગ) સાથે થઇ હતી. જે ૧૦ ટકાના વ્યાજે નાણાં આપતા હતા. જેથી ધંધામાં નાણાંની જરૂરિયાત હોવાને કારણે એક લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજે લીધા હતા. જેમાંથી ૯૦ હજાર ચુકવી દીધા હતા. જે વ્યાજના નાણાં કલ્પેશ નામનો વ્યક્તિ લઇ જતો હતો. તેમ છંતાય, હજુ વિજયસિંહ ૧.૩૦ લાખની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપે છે. આ ઉપરાંત, તેણે વિજયસિંહના પત્ની માધુરી વિરૂદ્વ પણ આક્ષેપ કર્યો હતો કે તેણે કોલ કરીને ધમકી આપી હતી કે હુ વકીલ છુ અને જો વ્યાજના નાણાં નહી આપે તો તને છેડતીના ખોટા કેસમાં ફસાવી દઇશ. જેથી કંટાળીને તેણે ૧૫મી એપ્રિલના રોજ તેણે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે કેસમાં પોલીસે સારવાર બાદ જીતેન પાસેથી એક લાખ રૂપિયા વિજયસિંહ પાસેથી લેવા ઉપરાંત, માધુરીએ ધમકી આપ્યા ના પુરાવા માંગતા તે મળ્યા નહોતા. તેમજ સીડીઆરમાં પણ કોઇ વિગતો મળી નહોતી. એટલું જ નહી જીતેને પોલીસ સમક્ષ આ બાબતે લેખિતમાં પુરાવા ન હોવાનું સ્વીકાર્યું હતું. તેમજ માધુરી અને વિજયસિંહ તેને કોઇ દિવસ મળ્યા નહોતા તે પણ બહાર આવ્યું હતું. આમ, લેન્ડગ્રેબીગના ગંભીર આરોપ લગાવતી ફરિયાદમાં નવો વળાંક આવ્યો છે.