ચૂંટણીના પરિણામોના દિવસે આતંકી હુમલો કરવાની યોજના હોવાની શક્યતા
કોબા સ્થિત કમલમ આતંકીઓનો સોફ્ટ ટારગેટ
અમદાવાદમાં રહીને રેકી કરીને ચોક્કસ સ્થળને પસંદ કરાયાની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી
અમદાવાદ,સોમવાર
ગુજરાત એટીએસને આતંકીઓ પાસેથી ભાજપ, આરએસએસ અને અન્ય હિંદુ સંગઠનોના નેતાઓનો ફોટો અને વિગતો મળી છે. ઇસ્લામિક સ્ટેટ વતી તેમને ટારગેટ કરીને બદલો લેવા માટે તેમને ઉશ્કેરવામાં આવતા હતા. ત્યારે આગામી ૪ જુનના રોજ ચૂંટણીના પરિણામોના દિવસે કોબા સ્થિત કમલમ અથવા અન્ય કોઇ સ્થળ આતંકી હુમલા માટે ટારગેટ હોવાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.એટીએસના સુત્રોના જણાવ્યા મુજબ શ્રીલંકન આતંકીઓ પાસેથી ભારતીય જનતા પાર્ટી, આરએસએસ અને હિંદુ સંગઠનોને પાઠ ભણાવવા માટેના ઉશ્કેરણીજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, તેમજ મોહનભાગવત તેમજ અન્ય નેતાઓની વિગતો હતો. તેમને ગુજરાતમાં મુસ્લિમોે પર કરવામાં આવેલા અત્યાચારની વાત જણાવીને ઉશ્કેરવામાં આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. ચારેય જણા ગુજરાત આવીને આતંકી હુમલા માટે તૈયાર થયા હતા. જે અંતર્ગત તેમને ૨૦માં તારીખે ગુજરાત મોકલીને અમદાવાદમાં રહેવાની વ્યવસ્થા કરી આપવાનું કહેવામાં આવ્યું હતું. જો કે તે પહેલા સ્વરક્ષણ માટે હથિયારોની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી. જે બાદ તેમને કોબા ખાતે ભાજપના મુખ્યાલય કમલમને પણ ટારગેટ કરવાની શક્યતા હતી. આ માટે તેમને રેકી કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.