વ્યાજ સાથે નાણાંની ચુકવણી કરી છંતાય વ્યાજખોરે ઉઘરાણી ચાલુ રાખી
વ્યાજખોરે મારી નાખવાની પણ ધમકી આપી
ફરિયાદી અને તેના મિત્રો સતત ધમકી મળતા છેવટે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો
અમદાવાદ
શહેરના બહેરામપુરામાં રહેતા વ્યક્તિએ તેમજ તેના મિત્રોએ બહેરામપુરામાં ફાઇનાન્સનો ધંધો કરતા વ્યક્તિ પાસેથી ૧૦ ટકાના વ્યાજે નાણાં લીધા હતા. જેમાં વ્યાજ ઉપરાંતની રકમ ચુકવવામાં આવી હોવા છંતાય, ઉઘરાણી ચાલુ રાખવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતા કાગડાપીઠ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. જે અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગૌતમનગર ચાર રસ્તા પાસે આવેલા મ્યુનિસિપલ હેલ્થ ક્વાટર્સમા રહેતા ગૌતમ ચાવરિયા છુટક કામકાજ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બહેરામપુરાના સત્યમનગરમાં રહેતા અને ફાઇનાન્સનો ધંધો કરતા સુનિલ પરમાર નામના વ્યક્તિના તે પરિચયમાં હતા. ત્યારે જેથી ગૌતમના મિત્ર પ્રકાશે ૫૦ હજાર અનેે વિપુલે ૨૦ હજાર રૃપિયા વર્ષ ૨૦૨૦માં ૧૦ ટકા માસિક વ્યાજે લીધા હતા.જેમાં તેમણે વ્યાજ ભરીને તમામ મુડી ચુકવી આપી હતી અને વ્યાજ પણ ચુકવ્યું હતું. જે ગૌતમે પણ ૫૦ હજાર રૃપિયા ૧૦ ટકાના માસિક વ્યાજે લીધા હતા. જેમાં એક વર્ષ સુધી માસિક પાંચ હજાર વ્યાજ ચુકવ્યું હતું અને સોનાની ચેઇન વેંચીને ૫૦ હજારની મુડી પણ ચુકવી આપી હતી. તેમ છંતાય, સુનિલે ગૌતમ, પ્રકાશ અને વિપુલ પાસેથી ઉઘરાણી ચાલુ રાખી હતી. સાથેસાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે અંગે કાગડાપીઠ પોલીસે વ્યાજખોર સુનિલ પરમાર વિરૃદ્વ ગુનો નોંધીને કાર્યવાહી શરૃ કરી છે. સુનિલ પરમાર દ્વારા આ વિસ્તારમાં ૧૦ ટકાના માસિક વ્યાજે અનેક લોકોને નાણાં આપીને ધાક ધમકી આપીને મુળ રકમ અને વ્યાજ કરતા અનેક ગણી ઉઘરાણી કરવામાં આવી છે. જેથી પોલીસે અન્ય પિડીતોને પણ ફરિયાદ કરવા માટે સુચના આપી છે. જેથી સુનિલ પરમાર સામે આકરી કાર્યવાહી કરી શકાય.