Get The App

23 દિવસ પહેલાં જ વડોદરાના યુવાને રતન ટાટા સાથે મુલાકાત કરી હતી

મહેસાણા ખાતે રહેતા યુવાનના પિતરાઇ ભાઇએ બનાવેલા રતન ટાટા, નવલ ટાટા અને જમશેદજી ટાટાના સ્કેચ ભેટ આપવા ગયા હતા

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
23 દિવસ પહેલાં જ વડોદરાના યુવાને રતન ટાટા સાથે મુલાકાત કરી હતી 1 - image


વડોદરા : દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું ગત ૯મી ઓક્ટોબરે ૮૬ વર્ષની વયે નિધન થયું. તેમના નિધનના ૧૯ દિવસ પહેલાં જ વડોદરાનો યુવાન અને તેનો પિતરાઇ ભાઇ રતન ટાટાને મળ્યા હતા અને લગભગ ૨૦ મિનિટ સુધી રતન ટાટાએ તેમની સાથે વાત કરી હતી. 

જીવનમાં મળેલી આ અણમોલ તક અંગે વાત કરતા વડોદરાના ૩૧ વર્ષના યુવાન પ્રિયાંક ભરતભાઇ જોષીએ કહ્યું કે 'મહેસાણા ખાતે રહેતો મારો કઝિન બ્રધર નંદન અશોકકુમાર દવે (ઉ.૨૮) આર્ટિસ્ટ છે. તેમણે જમશેદજી ટાટા, નવલ ટાટા અને રતન ટાટા સરના ત્રણ પેન્સિલ સ્કેચ બનાવ્યા હતા. તે ભેટ આપવા માટે અમે ગત ૨૨ સપ્ટેમ્બરના રોજ મુંબઇ ગયા હતા, જ્યાં કોલાબા વિસ્તારમાં આવેલા તેમના બંગલામાં રતન ટાટા સર અમને બપોરે ૨ વાગ્યે મળ્યા હતા.

રતન ટાટાએ કહ્યું હતું કે 'મને થેપલા અને અથાણું બહુ ભાવે'

અમે જ્યારે સ્કેચ ભેટ આપ્યા ત્યારે તેઓની નમ્રતા જોઇને અમે પ્રભાવિત થઇ ગયા. અમને ક્હ્યું કે 'આઇ એમ રીઅલી સોરી... હંુ ઊભો થઇને તમારી ભેટ સ્વીકારી નહી શકું, ખુરશી ઉપર બેસી રહું તો તમને વાંધો નથી ને ?'  તે પછી તેઓએ પુછ્યું કે શું તમે ગુજરાતી છો, ક્યા શહેરમાંથી આવો છો ? અમે કહ્યું કે હા,ગુજરાતી છીએ અને વડોદરા તથા મહેસાણાથી આવીએ છીએ. તેમણે કહ્યું કે મને ગુજરાતી નાસ્તો ખૂબ ભાવે છે. ખાખરા અને થેપલાની સાથે ગુજરાતી અથાણાં મારા પ્રિય છે.'

રતન ટાટા સરને મળીને અમે પરત ફર્યા અને બીજા દિવસે જ અમે તેઓને ખાખરા, થેપલા અને અથાણાં મોકલાવ્યા, તો તેમના અંગત મેનેજરનો અમને મેસેજ મળ્યો કે સરને થેપલા,અથાણું અને ખાખરા ભાવ્યા છે.


Google NewsGoogle News