જૂનીગઢીના શ્રીજીનું ધામધૂમથી અને શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન સંપન્ન
અબિલ ગુલાલની છોળો સાથે પુનેરી ઢોલ-તાલા, બેનજો અને ડી.જે.ની ધામધૂમ સાથે બાપ્પાની વિસર્જન સવારી નીકળી હતી
વડોદરા : વડોદરામાં ભદ્ર કચેરી રોડ ઉપર જૂનીગઢી વિસ્તારમાં છેલ્લા ૭૭ વર્ષથી 'જૂનીગઢી મિત્ર મંડળ' દ્વારા ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. અહીની પરંપરા અનુસાર સાતમાં દિવસે વિસર્જન કરવામાં આવે છે. તે અનુસાર આજે રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં સાંજે ૫.૧૫ વાગ્યે મહાઆરતી કરવામાં આવી હતી. જે બાદ ભક્તોએ બાપ્પાને વિદાય આપી હતી.
પંડાલમાંથી બાપ્પાની પ્રતિમા બહાર નીકળતા જ આખો વિસ્તાર જય ગજાનન - જય શિવાજીના નારાથી ગુંજી ઉઠયો હતો. અબિલ ગુલાલની છોળો સાથે પુનેરી ઢોલ-તાલા, બેનજો અને ડી.જે.ની ધામધૂમ સાથે બાપ્પાની વિસર્જન સવારી નીકળી હતી. જૂનીગઢીના શ્રીજીની વિસર્જન યાત્રા દરમિયાન ભૂતકાળમાં સંવેદનશિલ વિસ્તારોમાં બબાલ થઇ હોવાથી પોલીસે ગુરૃવારે જ આ વિસર્જનયાત્રાના રૃટ ઉપર ફૂટમાર્ચ યોજ્યુ હતું.
આ ઉપરાંત ભદ્ર કચેરીથી પાણીગેટ દરવાજા સુધીના સંવેદનશીલ વિસ્તારમાં ગલીઓમાં પતરાની આડશ ઉભી કરી હતી, ધાબા પોઇન્ટ્સ ઉપર જવાનોને તૈનાત કર્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભદ્ર કચેરીથી નીકળીને વિસર્જનયાત્રા સાંજના સાત વાગ્યા સુધીમાં પાણીગેટ દરવાજા અને ત્યાંથી માંડવી સુધી વિસર્જનયાત્રા નિર્વિઘ્ને પસાર થઇ ગઇ હતી. સુરતમાં શ્રીજી પંડાલ પર પથ્થરમારો અને વડોદરામાં ઝંડા લગાવવાની ઘટનાથી પોલીસ ટેન્શનમાં હતી પરંતુ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં પોલીસે પણ રાહતનો દમ લીધો હતો.વિર્સજનયાત્રા માંડવીથી લહેરીપુરા દરવાજા, ન્યાય મંદિર, પથ્થર ગેટ થઇને રાજમહેલ રોડ ઉપરથી નવલખી ગ્રાઉન્ડમાં પહોંચી હતી જ્યાં કૃત્રિમ તળાવમાં પ્રતિમાનુ વિર્સજન કરવામાં આવ્યુ હતું.