ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ'નો રશિયન-ચાઈનિઝ ભાષામાં અનુવાદ થયો
- 'રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી'એ દસ ઉત્તમ કૃતિમાં સમાવેશ કર્યો
- ૨૦૧૯ના શાંઘાઈ કોઓપરેશન સંમેલનમાં વડાપ્રધાન મોદીએ સર્વોત્તમ દસ ભારતીય કૃતિના અનુવાદની જાહેરાત કરી હતી
અમદાવાદ, મંગળવાર
ઝવેરચંદ મેઘાણીની ૧૯૩૯માં પ્રગટ થયેલી અમર નવલકથા 'વેવિશાળ'ને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે.
દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીએ જણાવ્યું હતું કે દસ સર્વોત્તમ ભારતીય
સ્વદેશી કૃતિઓનો અનુવાદ કરવાનું કામ પૂર્ણ થયું છે. તેમાં ગુજરાતી ભાષામાંથી
મેઘાણીએ સૌરાષ્ટ્રના સમાજ જીવનને રજૂ કરતી તળપદી ભાષામાં લખેલી આ કૃતિનો પણ સમાવેશ
થયો હતો. ૩૦ નેવમ્બરે અનુવાદ કાર્ય પુર્ણ થયાની જાહેરાત ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા
નાયડુ દ્વારા કરાઈ હતી.
૨૦૧૯માં 'શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન'ની બેઠક કિર્ગિસ્તાનના પાટનગર બિશ્કેકમાં મળી હતી. ત્યારે વડાપ્રધાન મોદીએ
દસ ભારતીય ભાષાઓની સર્વોત્તમ કૃતિઓને ચાઈનિઝ અને રશિયન ભાષામાં અનુવાદીત કરાશે એવી
ખાતરી આપી હતી. એ કામ હવેે પૂર્ણ થયું હતું. આ બન્ને અનુવાદો વેવિશાળના અંગ્રેજી
અનુવાદ પરથી કરાયા હતા.
અમેરિકા સ્થિત ઝવેરચંદ મેઘાણીના પુત્ર અશોક મેઘાણીએ ૨૦૦૨માં વેવીશાળ અંગ્રેજીમાં
અનુવાદિત કરી હતી. તેના પરથી કુલદીપ ધીંગરાએ રશિયન, જ્યારે
ચીની લેખક લીઉ જિનાઉ દ્વારા ચીનની મેન્ડેરિન ભાષામાં અનુવાદ કરાયો હતો. ૨૦૦૪માં
ફ્રાન્સમાં વસતા ગુજરાતીઓ માટે આ વાર્તા ગુજરાતીમાંથી સીધી જ ફ્રેન્ચ ભાષામાં
અનુવાદિત થઈ હતી.
૩૭ પ્રકરણ ધરાવતી વાર્તા વેવિશાળમાં સગાઈ એટલે કે વેવિશાળ નક્કી થયા પછી
સર્જાતી સમસ્યાની વાત છે. વેવિશાળ નક્કી થયા પછી બે પરિવાર વચ્ચે આર્થિક અસમાનતા
સર્જાઈ હતી. પરિણામે શ્રીમંત પરિવારે સગાઉ
તોડવાની તૈયારી કરી હતી. વાર્તા આઠ દાયકા જુની હોવા છતાં તેમાં રજૂ થયેલી સમસ્યા
આજે પણ યથાવત છે. દસ ભારતીય ભાષાઓમાં
ગુજરાતી ઉપરાંત અસમિયા, બંગાળી, હિન્દી,
કન્નડ, ઓડિયા, તમિલ,
તેલુગુ, પંજાબી, ઉર્દુ
વગેરેનો સમાવેશ કરાયો હતો.
મેઘાણી આ વાર્તાની પ્રસ્તાવનામાં લખ્યું છે હપ્તાવાર પ્રગટ થતી વખતે વાચકો
તરફથી સતત સૂચનો અને સવાલો મળતાં રહેતા હતા. જેણે વાર્તાની દિશા નક્કી કરવામાં
મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. મેઘાણીએ ઉમેર્યું છે કે કાઠિયાવાડી ભાષા હોવા છતાં
સર્વત્ર આ કથા સ્વીકારાઈ એથી વિશેષ લેખકને બીજું શું જોઈએ?
૧૯૩૯ પછી આજ સુધી ઓછામાં ઓછી બે ડઝન વખત આ વાર્તા છાપવી પડી છે.