પાકા કામનો કેદી દુધની કેરેટમાં ગાંજાની ૨૫ પકીડીઓ છુપાવીને લાવ્યો
જેલમાં ફરીથી ડ્રગ્સ મળવાનું શરૂ થયું
જેલના વીશી વિભાગમાંથી ગાંજાની પડીકી સપ્લાય કરવામાં આવીઃ રાણીપ પોલીસ મથકે ગુનો નોંધાયો
અમદાવાદ,શનિવાર
સાબરમતી જેલમાં ડ્રગ્સનો ઉપયોગ થવાના કિસ્સા સામે આવ્યા બાદ થોડા મહિના પહેલા મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જો કે ફરીથી સાબરમતી જેલમાં ડ્રગ્સ મળવાનું શરૂ થયું છે. જેમાં પ્રિતેશ ઠક્કર નામના પાકા કામના કેદી પાસેથી ગાંજાની ૨૫ જેટલી પડીકીઓનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે રાણીપ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.સાબરમતી જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા ઇસ્માઇલ ઘોઘારી શનિવારે સવારે જેલમાં ફરજ પર હતા ત્યારે વિડીયો કોર્ટના પાછળના ભાગે તેમણે અન્ય સ્ટાફ સાથે તપાસ કરી ત્યારે પાકા કામના કેદી પ્રિતેશ ગીરીશભાઇ ઠક્કર વીશી વિભાગનું ચાનું ગાડુ લઇને જઇ રહ્યો હતો. જેથી શંકા જતા તેને રોકવામાં આવ્યો હતો અને દુધના કેરેટની નીચે તપાસ કરતા સ્ટીકરથી લગાવવામાં આવેલી ગાંજાની ૨૫ જેટલી પડીકીઓ મળી આવી હતી. જે અંગે પુછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ આવ્યો નહોતા. જો કે તેને વીશી વિભાગમાંથી કોઇએ ગાંજાનો જથ્થો તેને સપ્લાય કરાયો હતો. જે અંગે રાણીપ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નાર્કોટીક્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે ગાંજા જેવા ડ્રગ્સને જેલમાં સપ્લાય કરવામાં સ્થાનિક ગ્રાઉન્ડ સ્ટાફની સંડોવણી હોય છે. ખાસ કરીને પાકા કામના રીઢા ગુનેગારો સાથે તેમની સીધી સાંઠગાંઠ હોય છે. જો કે મોટાભાગના કિસ્સામાં આવા કેસમાં સંડોવાયેલા સ્થાનિક સ્ટાફ સામે કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી ડ્રગ્સ સપ્લાયનું કૌભાંડ નિયમિત રીતે ચાલે છે.