સાબરમતી જેલમાં માથાભારે કેદીએ વૃદ્વ બંદીવાનની ઇંટો મારીને હત્યા કરી
સાબરમતી જેલના બડા ચક્કરના બેરેક નંબર ૪ની ઘટના
હત્યા કરનાર આરોપીએ ભારતીય સેનામાં નોકરી દરમિયાન હત્યા કરતા તેને સજાના કરવામાં આવી હતીઃ અગાઉ પણ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો
અમદાવાદ,ગુરૂવાર
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવેલા બડા ચક્કર યાર્ડમાં એક કેદીએ અન્ય એક ૭૧ વર્ષના કેદીને માથાના ભારે ઇંટોના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરનાર કેદી ભારતીય સેનામાં નોકરી કરતો હતો ત્યારે તેણે એક વ્યક્તિની હત્યા કરી હતી. જેથી તેને આજીવન કેદની સજા થતા સાબરમતી જેલમાં મોકલાયો હતો. ગત ૧૩મી જાન્યુઆરીએ પણ એક કેદી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે રાણીપ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે રહેતા ૭૧ વર્ષીય કેશાભાઇ હેમરાજભાઇ પટેલ બડા ચક્કર યાર્ડ નંબર ૪ની બેરેકમાં ગુરૂવારે સવારે પાંચ વાગે સુઇ રહ્યા હતા ત્યારે અચાનક ભરત હરગોવિંદ પ્રજાપતિ નામના પાકા કામના કેદીએ પોતાની સાથે ઇંટ લાવીને કેશાભાઇના માથામાં એક પછી એક અનેક ઘા ઝીંકી દીધા હતા. આ સમયે બુમાબુમ થતા અન્ય કેદીઓ જાગી ગયા હતા અને તેમણે જેલ સ્ટાફને જાણ કરી હતી. જે બાદ ભરત પ્રજાપતિને ઝડપી લઇને તાત્કાલિક જેલમાં હાજર તબીબી સ્ટાફને બોલાવવામાં આવ્યો હતો. પરંતુ, કેશાભાઇને માથામાં ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે રાણીપ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અનુસંધાનમાં ઇન્ચાર્જ જેલર પ્રકાશસિંહ સોલંકીની ફરિયાદને આધારે ભરત પ્રજાપતિ વિરૂદ્વ હત્યાનો ગુનો નોંધીને રાણીપ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ અંગે પીઆઇ બી ડી ગોહિલે જણાવ્યું હતું કે આરોપી ભરત પ્રજાપતિ મુળ ગાંધીનગરના માણસાના પ્રજાપતિવાસનો વતની છે. તે ભારતીય સેનામાં ગ્વાલિયર ખાતે સિપાઇ તરીકે ફરજ બજાવતો હતો. ત્યારે તેણે કોઇ વ્યક્તિની હત્યા કરી હતી. જેમાં તેના આર્મી કોર્ટે તેને આજીવન કેદની સજા કરતા તેને ગત જુલાઇ ૨૦૨૩માં સાબરમતી જેલમાં પાકા કામના કેદી તરીકે લાવવામાં આવ્યો હતો. તેણે જાન્યુઆરી મહિનામાં પણ એક કેદી સાથે ઝઘડો કરીને માથામાં ઇંટ મારીને ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ ફરીથી અન્ય બનાવમાં કેશાભાઇને મારીને મોત નીપજાવ્યું હતું. આમ, પ્રાથમિક તપાસમાં ભરત પ્રજાપતિ ગુસ્સાવાળા સ્વભાવને કારણે એક જ રીતે હુમલો કરતો હતો.આ કેસમાં પોલીસે પુરાવા તરીકે સીસીટીવી પણ મેળવીને કાર્યવાહી કરવામાં આવી છે.