ગેંગરેપમાં પકડાયેલા આરોપીએ અગાઉ પણ આ રીતે મહિલાઓને શિકાર બનાવી હોવાની શંકા
પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ અને કપડા કબજે કરી મેડિકલ ટેસ્ટ કરાવ્યો
વડોદરા, બંગલાઓમાં કામ કરતી આધેડ વયની મહિલાને કામ અપાવવાના બહાને રિક્ષામાં લઇ જઇ ત્રણ હવસખોરોએ બળાત્કાર ગુજાર્યો હતો. ગઇકાલે આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડી કરી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારના પોષણ માટે બંગલાઓમાં કામ કરતી પીડિતા ૧૪મી તારીખે અન્ય બંગલાઓમાં કામ શોધવા માટે નીકળી હતી. તે સમયે સમા વિસ્તારમાં એક શ્રમજીવી મહિલા સાથે કોઇ ઘરકામ હોય તો કહેજો..તેવી વાત કરતાં નજીકમાં રિક્ષા લઇ ઉભેલા વકીલ પઠાણે તકનો લાભ લીધો હતો.તેણે કહ્યુ ંહતું કે,આન્ટી એક બંગલાનું કામ કરવાનું છે,મને મોબાઇલ નંબર આપો તો હું તમને જાણ કરીશ.જેથી મહિલાએ તેને મોબાઇલ નંબર આપ્યો હતો.
બે દિવસ બાદ વકીલ પઠાણે મોડી સાંજે મહિલાને ફોન કરી રિક્ષામાં છાણી જકાતનાકાથી ગોરવા જવાના રસ્તે લઇ ગયો હતો. આરોપી પીડિતાને અવાવરૃ સ્થળે રિક્ષા લઇ ગયો હતો. જ્યાં તેના બે સાગરિતો અગાઉથી જ રાહ જોઇને ઉભા હતા. ત્રણેયે ભેગા મળી પીડિતા પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં સમા પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.બી.રાઠોડે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા. જે પૈકી એક આરોપી વકીલ એહમદ પઠાણ ( રહે.નવાયાર્ડ,છાણી જકાતનાકા)ની ગઇકાલે ધરપકડ કરી હતી. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે અન્ય આરોપીઓ સકીલ એહમદ પઠાણ ( રહે. છાણી જકાતનાકા) તથા ચમનખાન શૌકતખાન પઠાણ ( રહે. ચિશ્તિયા નગર,છાણી જકાતનાકા) ની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન તથા કપડા કબજે લીધા છે. ચમનખાન વિરૃદ્ધ અગાઉ પણ રેપનો કેસ નોંધાયો છે. જેથી, આરોપીઓએ આ રીતે અન્ય મહિલાઓને પણ ભોગ બનાવી હોવાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.