વસ્ત્રાલમાં મેટ્રો બ્રિજની નીચે ડિવાઇડર પર લોખંડની રેલિંગો લગાવાઇ
- અકસ્માતનું જોખમ ઓછું કરવા માટે નિર્ણય લેવાયો
- બ્રિજના બે પિલ્લરો વચ્ચે દબાણો, પાર્કિંગ સહિતની પ્રવૃતિઓ અટકાવવા માટે લોખંડની રેલિંગ લગાવી વિસ્તારને સુરક્ષિત કરાયો
અમદાવાદ,તા.16 મે 2022, સોમવાર
અમદાવાદ મેટ્રો બ્રિજની નીચેના ડિવાઇડર લોખંડની રેલિંગથી સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરાઇ છે. બ્રિજના પિલ્લરોની વચ્ચેની જગ્યામાંથી અચાનક કોઇ વાહન, રાહદારી, ગાય કે કોઇપણ પશુ આવી જવાના કિસ્સામાં અકસ્માતો થઇ રહ્યા હતા. તેને ધ્યાને લઇને બ્રિજની નીચેના પિલ્લરો વચ્ચેની જગ્યાએ ડિવાઇડર પર લોખંડની રેલિંગ વસ્ત્રાલથી ખોખરા એપરલપાર્ક સુધી નાંખવાની કામગીરી આરંભાઇ છે.
વસ્ત્રાલથી ખોખરા એપરલ પાર્ક વચ્ચે મેટ્રો ટ્રેન દોડી રહી છે. મેટ્રો ટ્રેન એલિવેટેડ બ્રિજ પરથી પસાર થતી હોય છે. બ્રિજની નીચે મોટી સંખ્યામાં પિલ્લરો મુકવામાં આવ્યા છે. પિલ્લરો પર સંખ્યા પણ દર્શાવાઇ છે. બ્રિજની નીચે ગેરકાયદે પાર્કિંગ થતું હોવાથી ટ્રાફિકજામની સમસ્યા વકરી હતી.
વળી બ્રિજની નીચે લારી-ગલ્લા, નાસ્તાની લારીઓ, શાકમાર્કેટ પણ ઉભા થઇ જવાની સ્થિતિમાં પણ વાહન અકસ્માત, ટ્રાફિકજામ થતો હતો. ડિવાઇડર પર ગાયો અડ્ડો જમાવીને બેસી રહેતી હતી. ગાય ગમે ત્યારે ઉભા થઇ જાય અને અચાનક રોડ પર આવી જવાના કિસ્સામાં અકસ્માતની પણ શક્યતા રહેલી હતી.
સામેના રોડથી અચાનક કોઇ વાહન પિલ્લરની આડમાં રહીને બીજા રોડ પર આવી જવાના કિસ્સામાં પણ અકસ્માત થતા રહેતા હતા. વળી પિલ્લરો પર ગેરકાયદે પોસ્ટરો લગાવવા, ચિત્રામણો કરવા, ધંધાકિય જાહેરાતા બોર્ડ-બેનરો લોકો મુકી દેતા હતા આ સ્થિતિમાં પણ વાહનચાલકનું ધ્યાન ફંટાતા અકસ્માતનું જોખમ રહેલું હતું.
મેટ્રો બ્રિજ નીચેનો વિસ્તાર સુરક્ષિત રહે, તેમજ રહીશો, વાહનચાલકોને કોઇ તકલીફ ન પડે તે માટે લોખંડની રેલિંગ લગાવીને તેની સુરક્ષામાં વધારો કરાયો છે. જેને લઇને રહીશો અને વાહનચાલકો પણ શાંતિ અને અકસ્માતના કિસ્સામાં સલામતી અનુભવી રહ્યા છે.