પીએમના ગુજરાત પ્રવાસ બાદ IPSની બદલી-પ્રમોશન જાહેર કરાશે
રાજકીય બાબતને ધ્યાનમાં રાખીને કેટલાંક ફેરફાર સુચવવામાં આવ્યા
ડીજીપી, એડીજીપી અને આઇજીપીના પ્રમોશન પણ સમાવેશઃ રેંજ આઇજી અને પોલીસ અધિક્ષકની બદલીની યાદીમાં અનેક મોટા ફેરફારની શક્યતા
અમદાવાદ,સોમવાર
છેલ્લાં ઘણા મહિનાઓથી આઇપીએસ અધિકારીઓની બદલીને લઇને ચર્ચા ચાલી રહી છે. પરંતુ, કોઇ કારણસર બદલી અને પ્રમોશનની યાદી જાહેર કરવાની કામગીરી સતત ખેંચાતી રહી છે. ત્યારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ બાદ આઇપીએસની બદલી-પ્રમોશનની યાદીને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ તૈયાર કરવામાં આવેલી બદલીની યાદીમાં ચૂંટણી અને સ્થાનિક રાજકીય બાબતોને ધ્યાનમાં રાખીને કેટલાંક ફેરફાર કરવાની સુચના પણ આપવામાં આવી છે.લોકસભાની ચૂંટણી પહેલા આઇપીએસ અધિકારીઓની મોટાપ્રમાણમાં બદલીને લઇને છેલ્લાં ત્રણ મહિનાથી ચર્ચાઓ ચાલી રહી છે. જો કે સ્થાનિક રાજકીય બાબત અને કેટલાંક આઇપીએસ અધિકારીઓને તેમની પસંદગીના વિકલ્પોના વિવાદને લઇને બદલી અને પ્રમોશનમાં અનેકવાર ફેરફાર આવ્યા હતા. જેના કારણે યાદી જાહેર થઇ શકી નહોતી. જો કે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ બાદ હવે આઇપીએસ અધિકારીઓની બદલી અને પ્રમોશનની યાદી જાહેર કરવાનું નક્કી કરાયું છે. જેમાં ડીજીપી, એડીજીપી, ડીઆઇજીના પ્રમોશન મેળવનાર આઇપીએસ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પોલીસ અધિક્ષક સ્તરે સમગ્ર ગુજરાતમાં મોટાપાયે ઉથલપાથલ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ કેટલાંક આઇપીએસ અધિકારીઓએ પોતાની બદલી અને પ્રમોશનની સાથે પોતાની પસંદગીના વિકલ્પો આપ્યા હતા. આ વિકલ્પો રાજકીય દબાણની સાથે આપવામાં આવ્યા હતા. તો કેટલાંક અધિકારીઓ તેમને સુચવવામાં આવેલી પોસ્ટને લઇને નારાજ થયા હતા. જેના કારણે શરૂઆતમાં તૈયાર કરાયેલી યાદીમાં તબક્કાવાર અનેક ફેરફાર કરાયા હતા. જે બાદ હવે ફાઇનલ યાદી તૈયાર કરવામાં આવી હતી. સ્થાનિક રાજકીય બાબતોને ધ્યાનમાં રાખીને છેલ્લી ઘડીના ફેરફાર સુચવવામાં આવ્યા છે. આગામી સોમવાર સુધીમાં આ યાદી સત્તાવાર રીતે બે તબક્કામાં જાહેર કરવામાં આવશે. જેમાં એક યાદીનાં ડીજીપી, એડીજીપી અને આઇજીના પ્રમોશન તેમજ બીજી યાદીમાં પોલીસ અધિક્ષકની મોટાપ્રમાણમાં બદલીની જાહેરાત કરવામાં આવશે.