પીઆઇ બી કે ખાચરની પુછપરછનો રિપોર્ટ આજે હાઇકોર્ટમાં રજૂ કરાશે
આગોતરા જામીન અરજીનો નિર્ણય લેવાશે
ત્રણ દિવસ દરમિયાન ઇ ડીવીઝન એસીપી દ્વારા પીઆઇની ૩૬ કલાકથી વધારે સમય પુછપરછ કરવામાં આવી
અમદાવાદ, સોમવાર
ક્રાઇમબ્રાંચના કેમ્પસમાં ડૉ. વૈશાલી જોષીની આત્મહત્યાના કેસમાં અંતે હાજર થયેલા પીઆઇ બી કે ખાચરની ૩૬ કલાકથી વધુ સમય સુધી પુછપરછ કરવામાં આવી હતી. જનો રિપોર્ટ મંગળવારે ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે. સાથેસાથે તેમની પાસેથી મળી આવેલા લેપટોપ, મોબાઇલ ફોન અને અન્ય પુરાવાને એફએસએલમાં મોકલવામાં આવશે. આ સાથે પીઆઇની આગોતરા જામીન અરજી અંગે પણ હાઇકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે ૅડૉ.વૈશાલી જોષીની આત્મહત્યા કેસના આરોપી પીઆઇ બી કે ખાચર ત્રણ દિવસ પહેલા હાજર થયા હતા. જો કે તેમની આગોતરા જામીનની અરજી અંગે ૧૮મી તારીખે સુનવણી હોવાથી ધરપકડથી રાહત આપવામાં આવી હતી. પરંતુ, આ દરમિયાન ત્રણ દિવસ સુધી ૩૬ કલાકથી વધારે સમય સુધી ઇ ડીવીઝન એસીપી વાણી દુધાત દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. જેનો૧૦૦થી વધારે પાનાનો રિપોર્ટ મંગળવારે ગુજરાત હાઇકોર્ટમાં સબમીટ કરવામાં આવશે. પોલીસે ત્રણ દિવસ દરમિયાન બી કે ખાચરની અનેક મુદ્દાઓ પર પુછપરછ કરી હતી. જેમાં ૧૨૦ દિવસથી ક્યાં ક્યાં હતા? કોઇ પુરાવાનો નાશ કર્યો છે કે નહી? તેમને કોણે આશ્રય આપ્યો હતો? તેમજ ડૉ. વૈશાલી જોષી સાથે ક્યાં મુદ્દે તકરાર થઇ હતી? તેમજ અન્ય ૩૦૦થી વધુ પ્રશ્નો પુછ્યા હતા. આ ઉપરાંત, હાઇકોર્ટમાં પીઆઇ બી કે ખાચરના આગોતરા જામીન અરજીની સુનવણી પણ કરવામાં આવશે. જેના આધારે ધરપકડ થશે? કે જામીન મળે છે? તે અંગે નિર્ણય લેવામાં આવશે. પોલીસે બી કે ખાચર પાસેથી મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા. આ તમામ પુરાવા તપાસ માટે મંગળવારે એફએસએલમાં મોકલવામાં આવશે.