યુ.એસ. એમ્બેસીનું ગુજરાતમાં એક પણ બાયોમેટ્રિક સેન્ટર નહી હોવાથી મુંબઇ સુધી ધક્કો ખાવો પડે છે

બાયોમેટ્રિક સેન્ટર લોકરમાં મોબાઇલ મૂકવા માટે Rs.500 ભાડું વસુલે છે, અરજદારને મુંબઇનો ધક્કો Rs. 5000 માં પડે છે

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
યુ.એસ. એમ્બેસીનું  ગુજરાતમાં એક પણ બાયોમેટ્રિક સેન્ટર નહી હોવાથી મુંબઇ સુધી ધક્કો ખાવો પડે છે 1 - image


વડોદરા : ભારતમાંથી યુએસએ જતા લોકોમાં ગુજરાતીઓ સૌથી મોખરે છે તેમ છતાં પણ અમેરિકન એમ્બેસીએ હજુ સુધી ગુજરાતમાં બાયોમેટ્રિક સેન્ટર આપ્યું નથી, જેના કારણે ગુજરાતીઓએ વિઝા માટેના ઇન્ટરવ્યુ પહેલા ફિંગરપ્રિન્ટ માટે મુંબઇનો ધક્કો ખાવો પડે છે, જેનાથી અરજદારને આર્થિક રીતે ફટકો તો પડે છે, સાથે સાથે સમયનો પણ બગાડ થાય છે, માટે ગુજરાતમાં એક બાયોમેટ્રિક સેન્ટર આપવાની માગ સાથે વડોદરાના રહીશે વિદેશમંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલયને પત્ર લખ્યો છે.

પત્ર લખનાર ચિરાગ બારોટનું કહેવું છે કે ગુજરાતમાં અમદાવાદ ખાતે કેનેડા, ન્યુઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુ.કે. અને યુરોપના દેશોના બાયોમેટ્રિક સેન્ટરો આવેલા છે, ફક્ત યુએસએનું જ નથી. આજના ડિઝીટલ યુગમાં તો અમેરિકા ધારે તો ગુજરાતના દરેક મોટા શહેરોમાં બાયોમેટ્રિક સેન્ટરો તૈયાર કરી શકે છે.

ભારતમાંથી યુ.એસ.માટે  વિઝા એપ્લાય કરતા લોકોમાં ગુજરાતીઓ સૌથી વધુ હોવા છતાં ગુજરાતને અન્યાય

ગુજરાતમાંથી રોજ સેંકડો લોકો અમેરિકાના વિઝા માટે એપ્લાય કરે છે. સમસ્યા એ છે કે બાયોમેટ્રિક માટે અને ઇન્ટરવ્યુ માટે યુએસ એમ્બેસી અલગ અલગ શહેરમાં બોલાવે છે. જો મુંબઇમાં જ હોય તો બાયોમેટ્રિક અને ઇન્ટરવ્યુ માટે અલગ અલગ તારીખો આપે છે એટલે અરજદારે ગુજરાતમાંથી બે વખત ધક્કો ખાવો પડે છે. બાયોમેટ્રિક માટે મુંબઇ જાવ એટલે ટિકિટ ભાડું, હોટલ ચાર્જ, ટેક્સી ભાડું, જમવાનો ખર્ચ વગેરે મળીને રૃ.૫,૦૦૦ કરતાં વધુનો ખર્ચ થઇ જાય છે. આ ઉપરાંત બાયોમેટ્રિક સેન્ટર ઉપર પહોંચો એટલે તમારો મોબાઇલ ત્યાં લોકરમાં મૂકવા માટે ફરજ પાડવામાં આવે છે અને તે માટે રૃ.૫૦૦ નો ચાર્જ વસૂલવામાં આવે છે. જો અરજદાર ફોટો લેવાનું ભૂલી ગયા તો એક ફોટોના રૃ.૩૦૦ વસૂલવામાં આવે છે. ગુજરાતીઓને પડતી આ હાલાકીમાંથી મુકત કરવા માટે ગુજરાતમાં ઓછામાં ઓછું એક સ્થળે અમદાવાદ અથવા ગાંધીનગર ખાતે બાયોમેટ્રિક સેન્ટર આપવું જોઇએ એવી મારી માગ છે.

Google NewsGoogle News