અમદાવાદના મ્યુ.કમિશનરે માસ્ક કાઢી પોતાની સ્પીચ આપી

કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂમા હોવાનો સંકેત

અમદાવાદમાં કોરોનાના નવા ચાર કેસ, ૧૫,૦૧૫ લોકોને કોરોના વેકિસન અપાઈ

Updated: Nov 10th, 2021


Google NewsGoogle News
અમદાવાદના મ્યુ.કમિશનરે માસ્ક કાઢી પોતાની સ્પીચ આપી 1 - image


અમદાવાદ,મંગળવાર,9 નવેમ્બર,2021

અમદાવાદમાં કોરોના રસીકરણ ઝૂંબેશની સફળતાને પગલે કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂમાં હોવાનો સંકેત આપતા મ્યુનિસિપલ કમિશનરે માસ્ક કાઢીને ટાગોરહોલ ખાતે પોતાની સ્પીચ આપી હતી.સ્પીચ પુરી થયા બાદ ફરી પોતાનુ માસ્ક પહેરી લીધુ હતું.શહેરમાં મંગળવારે કોરોનાના નવા ચાર કેસ નોંધાયા હતા.૧૫૦૧૫ લોકોને કોરોના વેકિસન અપાઈ હતી.

દિવાળી પર્વ બાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા ટાગોરહોલ ખાતે કોર્પોરેટરો અને મ્યુનિ.તંત્રના અધિકારીઓનો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં મેયર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા.નવ વર્ષના આરંભે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે શહેરના વિકાસકામો અંગે રુપરેખા આપતા કોરોના રસીકરણ ઝૂંબેશ અને સંક્રમણની સ્થિતિ અંગે સૌને વાકેફ કર્યા હતા.તેમણે કહ્યુ,જે પ્રમાણે કોરોના રસીકરણની ઝૂંબેશ સફળ બની છે એના કારણે શહેરમાં હવે નવા કેસોની સંખ્યા ખુબ ઘટવા પામી છે.હવે તમે માસ્ક કાઢીને પણ વાતચીત કરી શકો છો એમ કહેતા પોતાનો માસ્ક કાઢી સ્પીચ આપ્યા બાદ સ્પીચ પુરી થતા માસ્ક પહેરી લીધો હતો.

મંગળવારે અમદાવાદમાં કોરોનાના નવા ચાર કેસ નોઁધાવા સાથે  બે દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.૨૪૩૪ લોકોને કોરોના રસીનો પહેલો અને ૧૨૫૮૧ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.ઘર સેવા વેકિસનેશન યોજના હેઠળ અત્યાર સુધીમાં ૩૧૦૩ રજિસ્ટ્રેશન થતા આ પૈકી ૨૬૨૦ લોકોને રસી આપવામાં આવી છે.


Google NewsGoogle News