વડોદરા કોર્પોરેશન માથે પકડાયેલા રખડતા ઢોરોનો જીવન નિર્વાહ ખર્ચ વધતા આર્થિક બોજો, અત્યાર સુધી રૂ.2.18 કરોડના ખર્ચે ઘાસની ખરીદી
Vadodara Corporation Cattle Policy : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડીને ઢોર ડબ્બામાં પૂરવામાં આવે છે. પકડાયેલા ઢોરોના જીવન નિર્વાહ માટે ઘાસચારાની ખરીદી થાય છે અને આનો ખર્ચો પણ વધી ગયો હોવાથી ખર્ચની નાણાકીય મર્યાદા વધારવા સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે. અત્યાર સુધીમાં 2.18 કરોડના ઘાસચારાની ખરીદી કરવામાં આવી છે. જેમાં આશરે 21 લાખ કિલો સુકુ ઘાસ અને 17.57 લાખ કિલો લીલુ ઘાસ ખરીદવામાં આવ્યું છે.
વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી જતા પશુપાલકો વિરુદ્ધ પશુઓને છોડાવવાની પ્રક્રિયા દરમિયાન ફોજદારી કાર્યવાહી વિવિધ કલમો હેઠળ કરવામાં આવે છે. ફોજદારી કાર્યવાહીને લીધે દિન પ્રતિદિન પકડાયેલા ઢોરોને છોડાવી જવા નું ઓછું થયું છે, તથા પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા પણ પશુઓ બહુ નહિવત સ્વીકારવામાં આવતા હોવાથી ઢોર ડબ્બામાં પકડાયેલા પશુઓનો જીવન નિર્વાહ ખર્ચ વધી રહ્યો છે. જીવન નિર્વાહના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી નવો કોન્ટ્રાક્ટર ન થાય ત્યાં સુધી દર મહિને 14 લાખ રૂપિયા લેખે 42 લાખની નાણાકીય ખર્ચની મર્યાદા વધારવા દરખાસ્ત રજૂ થઈ છે. આ મર્યાદા વધારતા વધુ ઘાસની ખરીદી કરવામાં આવશે. બજેટમાં ઢોર ડબ્બાના ઘાસ તથા પરચુરણ ખર્ચ માટે ચાર કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. બીજી બાજુ 34.60 લાખ કિલો ઘાસ 1.55 કરોડના ખર્ચે ખરીદવા માટે વાર્ષિક ઇજારાની દરખાસ્ત પણ સ્ટેન્ડિંગમાં રજૂ થઈ છે.