અમદાવાદમાં કોરોનાના નવા ૩૧૨ કેસ,બે કોમોર્બિડ દર્દીનાં નિપજેલા મોત
નારણપુરા-દરિયાપુરના એક-એક દર્દીનાં મોત,૧૮ હજારથી વધુ લોકોને વેકિસન અપાઈ
અમદાવાદ,ગુરુવાર,21 જુલાઈ,2022
અમદાવાદમાંકોરોનાના દૈનિક કેસમાં ગુરુવારે ૧૭ કેસનો વધારો
થતાં કોરોનાના નવા ૩૧૨ કેસ નોંધાયા હતા.છ દિવસ બાદ શહેરમાં કોરોના સંક્રમિત ઉપરાંત
અન્ય રોગ ધરાવતા નારણપુરાના એક પુરુષ અને દરિયાપુરના એક મહિલા દર્દીનાં મોત થયા
હતા.શહેરમાં ૧૮ હજારથી વધુ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.
શહેરમાં ૧૯ જુલાઈએ કોરોનાના ૩૦૮ જયારે ૨૦ જુલાઈએ ૨૯૫ કેસ
નોંધાયા હતા.૧૪ અને ૧૫ જુલાઈના દિવસે કોરોનાથી એક-એક દર્દીનાં મોત થયા
હતા.ગુરુવારે ૨૯૮ દર્દી કોરોનામુકત થયા હતા.કુલ ચાર સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં
મુકવામાં આવ્યા હતા.આ પૈકી બે સ્થળને ગુરુવારે નિયંત્રણમુકત કરવામાં આવ્યા હતા.
નારણપુરાના ડાયાબીટીસ ઉપરાંત હાઈપર બ્લડપ્રેસરની બિમારી
ધરાવતા ૮૪ વર્ષના પુરુષ દર્દી કોરોના સંક્રમિત થતા અને દરિયાપુરના ૭૧ વર્ષના મહિલા
કે જે ડાયાબીટીસ તેમજ કેન્સરની બિમારી
સાથે કોરોના સંક્રમિત થયા હતા.આ બંને દર્દીના સારવાર દરમિયાન મોત થયા
હતા.માર્ચ-૨૦૨૦થી શરુ થયેલા કોરોના મહામારીના સમયથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેર
અને ગ્રામ્યમાં કોરોનાના કુલ ૩,૯૪,૨૮૫ કેસ નોંધાયા
છે.અત્યારસુધીમાં કુલ ૩,૮૮,૬૨૦ દર્દી
કોરોનામુકત થયા છે.ગુરુવારે શહેરમાં વધુ બે દર્દીના મોત થતા અત્યારસુધીમાં કુલ
૩૬૨૬ કોરોનાસંક્રમિત દર્દીનાં મોત થયા છે.કુલ ૧૮,૨૭૧ દર્દીને ગુરુવારે મ્યુનિ.દ્વારા કોરોના વેકિસન અપાઈ
હતી.જેમાં ૩૯૮ લોકોને રસીનો પહેલો ડોઝ,
૧૧૮૫ લોકોને રસીનો બીજો ડોઝ તથા ૧૬૬૮૮ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.