પિરાણા ખાતે એર કવોલીટી ઈન્ડેકસ ૩૦૩ ઉપર પહોંચતા ગંભીર સ્થિતિ

દિવાળી પર્વ બાદ હવાના પ્રદૂષણમાં વધારો

પિરાણા ડમ્પ સાઈટના કચરાના ડુંગર ઉપરાંત વટવા,નારોલ સહિતના વિસ્તારોમાં ધમધમતી ફેકટરીઓથી પ્રદૂષણમાં વધારો

Updated: Nov 14th, 2021


Google NewsGoogle News
પિરાણા ખાતે એર કવોલીટી ઈન્ડેકસ ૩૦૩ ઉપર પહોંચતા ગંભીર સ્થિતિ 1 - image


અમદાવાદ,રવિવાર,14 નવેમ્બર,2021

અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં દિવાળી પર્વ બાદ હવાના પ્રદૂષણમાં વધારો થતા લોકોના જાહેર આરોગ્ય ઉપર તેની ગંભીર અસર થવાની દહેશત વ્યકત કરવામાં આવી રહી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ડમ્પ સાઈટ જયાં આવેલી છે એવા પિરાણા વિસ્તારની શહેરની કચરા માટેની મુખ્ય ડમ્પ સાઈટ ઉપર ઘન કચરાના ખડકાયેલા ડુંગરના કારણે પિરાણા વિસ્તારનો એર કવોલીટી ઈન્ડેકસ ૩૦૩ ઉપર પહોંચવા પામ્યો છે.ઉપરાંત વટવા,નારોલ સહિતના વિસ્તારોમાં ધમધમતી ફેકટરીઓમાંથી નીકળી રહેલા ગેસના કારણે પણ હવાનું પ્રદૂષણ વધવા પામ્યુ છે.

આ અંગે મળતી માહિતી મુજબ,અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ કયાં-કેટલી માત્રામાં છે એ સફર એપ્લિકેશન ઉપર દર્શાવવામાં આવે છે.આ ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં પ્રદૂષણની માત્રા દર્શાવતા એલ.ઈ.ડી.પણ મુકવામાં આવ્યા છે.૧૪ નવેમ્બરને રવિવારે  બપોરે ચારના સુમારે પિરાણા વિસ્તારમાં સૌથી ઉંચો એર કવોલીટી ઈન્ડેકસ ૩૦૩ જેટલો નોંધાયો છે.ઉપરાંત રાયખડ વિસ્તારમાં એર કવોલીટી ઈન્ડેકસ ૧૮૫ અને રખિયાલ વિસ્તારમાં ૧૨૪ જેટલો એર કવોલીટી ઈન્ડેકસ નોંધાવા પામ્યો છે.

નિષ્ણાતોમાંથી જાણવા મળતી વિગત મુજબ, હવામાં રહેલુ પ્રદૂષણ બે પ્રકારે નોંધવામાં આવે છે.પી.એમ.-૧૦ ની માત્રા ૧૦૦થી વધવી ના જોઈએ.જયારે પી.એમ.-૨.૫ની માત્રા ૬૦થી વધવી ના જોઈએ.ઉપરાંત ૧૨૦ ઉપરની માત્રા નોંધાય તો એ વિસ્તારની હવામાં પ્રદૂષણની માત્રા વધુ છે એમ માનવામાં આવે છે.દેશની રાજધાની દિલ્હીમાં હવાના વધેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખી લોકડાઉન જાહેર કરવાની ફરજ પડી છે.આ સ્થિતિમાં અમદાવાદ શહેરમાં પુરા થયેલા દિવાળી પર્વ દરમ્યાન ફૂટેલા ફટાકડાથી હવામાં ફેલાયેલુ પ્રદૂષણ ઉપરાંત સવારના સમયે અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે.જે હવામાં રહેલા પ્રદૂષણના કારણે હોવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે.પૂર્વ અમદાવાદના લોકો શ્વસન તંત્રની બીમારી ઉપરાંત શરદી,ખાંસી અને અસ્થમા જેવી બીમારીનો ભોગ આ પ્રદૂષણના કારણે બની રહ્યા છે.


Google NewsGoogle News