અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાર નવા એસ્કેલેટરનું ઉદ્ધાટન, મુસાફરોને રાહત
- પ્લેટફોર્મના પગથિયા ચઢ-ઉતર કરવામાંથી છૂટકારો મળશે
- તમામ પ્લેટફોર્મ પર આગામી સમયમાં એસ્કેલેટરની સુવિધા ઉભી કરાશે
અમદાવાદ,તા.05 ફેબ્રુઆરી 2022,શનિવાર
અમદાવાદ રેલવે સ્ટેશન પર શનિવારે પ્લેટફોર્મ નંબર ૨/૩ અને ૪/૫ ઉપર નવા નાંખવામાં આવેલા ચાર એસ્કેલેટરનું ઉદઘાટન અમદાવાદ પશ્ચિમના સાંસદ દ્વારા કરવામાં આવ્યું હતું. ૨.૮૮ કરોડના ખર્ચે નંખાયેલા આ એસ્કેલેટર પર દર કલાકે ૬ હજાર મુસાફરોની અવર-જવર રહેશે. આ સુવિધાથી દિવ્યાંગ, અશક્ત, વૃદ્ધ મુસાફરોને મોટી રાહત મળી રહેશે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર ૧૨ પ્લેટફોર્મ આવેલા છે જેમાં સૌપ્રમથ વખત ચાર પ્લેટફોર્મ પર ચાર એસ્કેલેટેર લાગી જતા હવે મુસાફરોએ ટ્રેન પકડવા માટે શારીરિક શ્રમ ઓછો કરવો પડશે. અત્યાર સુધી પગથિયા ચઢ ઉતર કરવા પડતા હોવાથી ટ્રેનની મુસાફરી શ્રમયુક્ત હતી હવે મુસાફરોને પ્લેટફોર્મ પર અવર-જવર કરવામાં ખાસી એવી રાહત રહેશે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્રવેશદ્વાર પાસે બે એસ્કેલેટર છે અને બહાર નીકળવાના માર્ગ પર આરપીએફ ઓફિસ પાસે બે એસ્કેલેટર છે. આમ હવે કુલ ૮ એસ્કેલેટરની સુવિધા થઇ ગઇ છે. પ્લેટફોર્મ પર તો મુસાફરોએ પગથિયા જ ચઢ-ઉતર કરવા પડતા હતા. પરંતુ હવે પ્લેટફોર્મ નંબર ૨ થી ૫ ઉપર એસ્કેલેટરની સુવિધા ઉપલબ્ધ થતા મુસાફરો માટે ટ્રેનની મુસાફરી વધુ આરામદાયક બની રહેશે.
પ્લેટફોર્મ પર આ ઉપરાંત ૯ લિફ્ટ પણ છે. આગામી સમયમાં તમામ ૧૨ પ્લેટફોર્મ પર એસ્કેલેટરની સુવિધા પુરી પાડવાની યોજના છે અને તે દિશામાં કામ ચાલી રહ્યું હોવાનું રેલવેના અધિકારીઓ જણાવી રહ્યા છે.