ખોખરા પોલીસ મથકમાં પૂછપરછ માટે બોલાવેલી વ્યક્તિનું મોત થતા હોબાળો
મહિલાને હેરાન કરતો હોવાના આક્ષેપમાં
છાતીમાં દુઃખાવો ઉપડતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે ખસેડયો, ત્યાં મોત થયું: પરિવાર દ્વારા પોલીસ પર આક્ષેપો
અમદાવાદ, શુક્રવાર
ખોખરા
પોલીસ મથકમાં મહિલાને હેરાન કરાતી હોવાની થયેલી લેખિત ફરિયાદ અરજીની તપાસ માટે
પોલીસે બોલાવેલા વ્યક્તિનું પોલીસ મથકમાં હૃદયરોગનો હુમલો આવ્યા બાદ મોત નિપજતા
હોબાળો મચી ગયો છે. છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ પોલીસે ૧૦૮ એમ્બ્યુલન્સમાં તેને
હોસ્પિટલે ખસેડયો હતો. પરંતુ ત્યાં તેનું મોત નિપજતા મૃતદેહને પીએમ માટે ખસેડાયો
હતો. ભોગ બનનારના પરિવારજનો દ્વારા પોલીસ પર આક્ષેપો કરાયા છે.
ખોખરા પોલીસ મથકના એસીપી કૃણાલ દેસાઈએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું છે કે, ખોખરાના યાદવનગરમાં રહેતા સુરેશ દુર્ગાપ્રસાદ કોસ્ટી સામે એક મહિલાએ પ્રેમપ્રકરણમાં હેરાન કરતો હોવાની અને ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપતો હોવાથી લેખિત ફરિયાદ અરજી આપી હતી. જેની પૂછપરછ માટે સુરેશ કોસ્ટીને ગઈકાલે બુધવારે બપોરે ખોખરા પોલીસ મથકમાં બોલાવવામાં આવ્યો હતો. અહીં પોલીસની પૂછપરછ દરમિયાન તેને છાતીમાં દુઃખાવો ઉપડતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવીને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. અહીં પરિવારજનોએ કસ્ટોડિયલ ડેથના મામલે આક્ષેપો કર્યા હતા. બનાવ અંગે ઉચ્ચ પોલીસ અધકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.