જુહાપુરામાં કુખ્યાત કાલુ ગરદનની યુવકને તલવાર બતાવીને ધમકી
અગાઉ થયેલી તકરારની અદાવત રાખીને
યુવકને રોકીને તલવારથી ડરાવ્યા બાદ હુમલો કરવા પીછો કર્યો
અમદાવાદ,શનિવાર
જુહાપુરામાં કુખ્યાત કાલુ ગરદન અને તેના સાગરિતોએ યુવકને રોકીને તલવાર બતાવીને ધમકી આપી હતી. વેજલપુર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે જુહાપુરા સંકલીતનગરમાં રહેતા નુરીબાનું અબ્દુલખાન પઠાણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં કાલુ ગરદન તથા ઝભ્ભોે અને પલપલ તથા કાલુ ગરદનના ભાઇ સુલતાન સામે ફરિયાદ નોધાવી છે કે તેમના દિયરનો દિકરો સલમાન ગઇકાલે રાતે ૯ વાગે જુહાપુરા ચાર રસ્તા પાસેથી એક્ટિવા લઇને જતો હતો.
આ સમયે નોવેલ્ટી પાન પાર્લર પાસે કાલુ ગરદન તથા ઝભ્ભો, પલપાલ તથા કાલુ ગરદનનો ભાઇ સુલતાને યુવકને સુલતાનખાનનો ભત્રીજો કહીને રોક્યો હતો અને કાલુ ગરદન તલવાર બતાવીને ગાળો બોલવા લાગ્યો હતો, તેના ભાઇ સુલતાન પણ તલવાર બતાવીને ડરાવતો હતો. આ સમયે પલપાલ પકડો પકડો કહીને બુમો પાડીને આજે તો જાનથી મારી નાખીએ તેમ કહીને પાછળ પડતા યુવક એક્ટિવા લઇને ઘરે દોડી આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ આવી પહોચતાં આરોપીઓ નાસી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ફરિયાદીના દિયર સુલતાનખાન અને કાલુ ગરદન વચ્ચે અગાઉ થયેલી તકરારના કારણે વેરભાવ ચાલે છે તેમજ પોલીસનો બાતમીદાર હોવાની શંકા આધારે જેથી ચારેય શખ્સોએ આ કૃત્ય આચર્યું હોવાનું બહાર આવ્યું છે.