એચ.એલ.રોડ પર પાર્કિંગનું ગેરકાયદે બાંધકામ દૂર કરાયું
- સી.જી. રોડ પરનાં દબાણો દૂર કરાયા
- વિશાલા-સરખેજ હાઈવે પર 10 દુકાનો તોડાઈ, મેમનગરમાં દબાણો દૂર કરાયા
અમદાવાદ, તા. 17 ઓક્ટોબર, 2020, શનિવાર
મ્યુનિ.તંત્ર દ્વારા શનિવારે પણ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામ અને રસ્તા પરના દબાણો દુર કરવાની કાર્યવાહી કરાઈ હતી.પશ્ચિમ ઝોનમાં સી.જી.રોડ પરના દબાણો દુર કરાયા હતા.ઉપરાંત નવરંગપુરા વોર્ડમાં એચ.એલ. કોલેજ રોડ પર પાર્કીંગની જગ્યામાં કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામને દુર કરવામાં આવ્યું હતું.
શનિવારે એચ.એલ.કોલેજ રોડ પર આવેલા જાગૃતિ હાઉસમાં પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા પાર્કીંગની જગ્યામાં હોલો પ્લીન્થમાં તથા સેલરમાં 3949 ચોરસ ફુટ જેટલા ગેરકાયદે બાંધકામને દુર કરી પાર્કીંગની જગ્યા ખુલ્લી કરી હતી.સી.જી.રોડ પરના દબાણો દુર કરવા ઉપરાંત સાબરમતી વોર્ડમાં મોટેરા વિસ્તારમાંથી રસ્તા તથા ફુટપાથ પરના દબાણો દુર કરાયા હતા.
દક્ષિણ-પશ્ચિમ ઝોનના મકરબામાં વિશાલા-સરખેજ હાઈવે પર સેલ ફોર કોમર્શિયલના રીઝર્વ પ્લોટની જગ્યામાં બાંધવામાં આવેલી દસ દુકાનના બાંધકામ દુર કરી 1900 ચો.ફુટની જગ્યા ખુલ્લી કરી હતી.
ઉત્તર-પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં સુભાષ ચોકથી વિવેકાનંદ ચોક તરફના રસ્તા પર ચંદ્રલોક સોસાયટીમાં વગર પરવાનગીનું 2150 ચો.ફુટનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયુ હતુ.પુર્વ ઝોનમાં રામોલ-હાથીજણ વોર્ડના વિંઝોલમાં ડ્રેનેજ લાઈન નાંખવા રસ્તો ખુલ્લો કરવા ઓમ સિટીથી રેલ્વે પેરેલલ સુધીના રસ્તામાં તથા રોપડા તળાવથી ગામડી તરફના રસ્તામાં છ પાકા અને બે કાચા બાંધકામો દુર કરાયા હતા.
ઉત્તરઝોનના સરદારનગર વોર્ડમાં જી-વોર્ડ બસ સ્ટેન્ડ પાસે પહેલા માળના કોમર્શિયલ પ્રકારના બાંધકામને દુર કરાયુ હતુ. સૈજપુર વોર્ડમાં સંતોષીનગરમાં ઝુંપડા પુન વસન યોજના માટે ટી.પી. રોડ પાસેના કપાતમાં આવનારા બાંધકામોના માલિક, કબજેદારોને નોટીસ આપવામાં આવી છે.
મધ્યઝોનમાં શુક્રવારે કાલુપુર ટાવર રોડ પર મુંજાલના મહોલ્લામાં હેરીટેજ મકાનમાં રીપેરીંગના ઓઠા હેઠળ ત્રણ માળ સુધીનું ગેરકાયદેસર બાંધકામ સીલ માર્યા બાદ પણ સીલ તોડીને બાંધકામ ચાલુ રખાતા શનિવારે એસ્ટેટ વિભાગ દ્વારા ગેસ કટરથી આરસીસી બીમ કોલમ સાથે બાંધકામને તોડી પડાયુ હતુ.
લાંભા વોર્ડમાં રહેણાંક યુનિટો તોડી પડાયા
શહેરના દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં ચીકીની ફેકટરી પાસે ગોડાઉન પ્રકારના પાંચ યુનિટ તેમજ જોગણી માતાના મંદિર પાસે ગ્રાઉન્ડ ફલોર પર 12 જેટલા રહેણાંકના રો હાઉસ પ્રકારના યુનિટ તોડી પાડી ત્રણ હજાર ચો.ફુટ જગ્યા ખુલ્લી કરાઈ હતી.
ભદ્ર પરીસરના દબાણો દૂર કરાયા
અમદાવાદ,શનિવાર
શનિવારે શહેરની મધ્યમાં આવેલા ભદ્ર પરીસરમાં માસ્ક ન પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાવાના કારણોસર મધ્યઝોન એસ્ટેટ વિભાગ દ્વારા પોટલા અને લારીઓના દબાણો દુર કરાયા હતા. મળતી માહીતી મુજબ,અનલોક પાંચમાં આપવામાં આવેલી મુકિત બાદ ભદ્ર વિસ્તારમાં પાથરણા બજાર શરૂ થયુ હતુ.એસ્ટેટ વિભાગની ટીમે ભદ્ર પરીસરમાં 38 થી વધુ પોટલાવાળાના દબાણો અને લારીઓના દબાણ દુર કર્યા હતા.