Get The App

ગીતા મંદિર બસસ્ટેન્ડ પર માનવ કીડિયારું ઉભરાયું, મોટાભાગની બસો દોઢ-બે કલાક મોડી પડી

બે દિવસની રજામાં લોકો વતનમાં જવા તથા ફરવા માટે નિકળી પડતા

નિગમની બેદરકારી, અનેક બસની સંખ્યા ન વધારતા સેંકડો મુસાફરોએ ઉભા ઉભા જ મુસાફરી કરવાની નોબત આવી

Updated: Jan 14th, 2023


Google NewsGoogle News
ગીતા મંદિર બસસ્ટેન્ડ પર માનવ કીડિયારું  ઉભરાયું, મોટાભાગની બસો દોઢ-બે કલાક મોડી પડી 1 - image


અમદાવાદ, શનિવાર

શનિવાર અને રવિવારના રોજ ઉતરાયણ તેમજ વાસી ઉતરાયણની રજા હોવાથી અમદાવાદમાં રહેતા કેટલાય લોકો પોતાના વતન જવા નીકળી પડયા છે. તો બીજી બાજુ કેટલાય લોકો પરિવાર સાથે બહારગામ ફરવા નીકળ્યા છે. જેથી જાહેર પરિવહનના સ્થળો પર માનવ મહેરામણ ઘુઘવાયો છે. રસ્તાઓ પર ચક્કાજામ જોવા મળી રહ્યો છે. જેના લીધે મોટા ભાગની એસટી બસ તેમના નિર્ધારિત સમયથી દોઢ - બે કલાક મોડી ચાલી રહી છે.

તહેવારો નજીક આવતા જ શહેરમાં રહેતા કેટલાય લોકો પરિવાર સાથે તહેવાર ઉજવવા પોતાના વતન જવા નીકળી પડે છે. જેથી ટ્રેનની જેમ બસની ટિકીટની પણ પ્રિ-બુકિંગ કરાવવામાં આવી રહી છે. બે-ચાર દિવસ અગાઉ જ લોકોએ બસની ટિકિટ બુક કરાવી દીધી છે. પરંતુ બસોની માંગ સામે તેમની સંખ્યા ઓછી હોવાથી શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ ગીતામંદિર ખાતે લોકોની પડાપડી જોવા મળી રહી છે. તેની સામે જાહેર પરિવહનની પૂરતી સુવિધાઓ ન હોવાના લીધે ફેરી કરતા ખાનગી વાહનચાલકો તેનો લાભ ઉઠાવી મુસાફરો પાસેથી દોઢ બે ગણું ભાડું લઈ રહ્યા છે. જે સામાન્ય મુસાફરોને પરવડતું ન હોવાથી તેઓ ના છૂટકે બસમાં ઊભા રહીને મુસાફરી કરે છે. એક બાજુ ટ્રાફિક ઉપરાંત ક્ષમતા કરતા વધારે વજન હોવાથી ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.

બીજી બાજુ રસ્તા પર સર્જાતા તીવ્ર ટ્રાફિકજામના લીધે મોટા ભાગની બસ તેમના નિાર્ધારિત સમયથી દોઢ બે કલાક મોડી ચાલી રહી છે. મોડાસાથી ગીતામંદિર આવતી બસ સવા કલાક મોડી પડી હતી. બપોરના ૩.૧૫ વાગ્યાવાળી બસ ૪.૩૦ વાગ્યે ગીતામંદિર પહોંચી હતી. આબુ રોડ જતી ૪ વાગ્યાની બસ અડધો કલાક મોડી પડી હતી, તો ઉદયપુર જતી ૪.૧૫ની બસ ૪૦ મિનિટ મોડી આવી હતી. સિધ્ધપુરથી જામનગર જતી ૪.૧૦ ની બસ ૫ વાગ્યા સુધી ગીતામંદિર આવી ન હતી. ઉપરાંત ગીતામંદિરથી જ ૪.૩૦ વાગ્યે ઉપડતી અમદાવાદથી ભાભર જવાની બસ ૨૦ મિનિટ મોડી ઉપડી હતી. મોટા ભાગની બસ મોડી પડતા પૂછપરછ બારીએ પણ મુસાફરોની લાઈન લાગી હતી.

એસ.ટી. બસસ્ટેન્ડના પાર્કિંગમાં ફી વધારી છતા, લિફ્ટ બંધ

થોડા મહિના પહેલાં જ ગીતામંદિર બસ સ્ટેન્ડ ખાતે વાહનપાર્ક કરવા માટેના ચાર્જમાં વધારો થયો હતો. તેમ છતાં પાકગની સુવિધામાં સુધારો કરવામાં આવ્યો નથી. બેઝમેન્ટમાં વાહન પાર્ક કરવા માટે પ્રવેશ અને નિષેધનો એક જ ઢાળિયો રસ્તો હોવાથી સામ સામે વાહનોના અકસ્માત સર્જાઇ શકે છે. ઉપરાંત બેઝમેન્ટમાંથી બસ સ્ટેન્ડ જવા માટે ઉપલબૃધ બે લિફ્ટમાંથી એક લિફ્ટ જાળવણીના અભાવે બંધ છે. જેથી મુસાફરોને ના છૂટકે ભારે સામાન ઊંચકીને સીડી ચઢીને બસ સ્ટેન્ડ સુધી જવું પડે છે.

ઓનલાઈન બુકિંગમાં બસનો નંબર ન મોકલતા મુસાફરો હેરાન થયા

ઓનલાઈન ટિકિટ બુક કરાવેલ મુસાફરોને ટિકિટ કન્ફર્મ થયાના મેસેજમાં બસનો નંબર જણાવવામાં આવતો નથી. ઉપરાંત કંડકટરનો ફોન નંબર પણ આપવામાં આવતો નથી. જેથી મોડી પડેલ બસ નિર્ધારિત સમયથી અલગ સમયે આવતા મુસાફરો તેને ઓળખી શકતા નથી અને મૂંઝવણ અનુભવે છે. કેટલીય વખત બસ નંબરની જાણ ન હોતા મુસાફરો બુકિંગ કરાવેલ હોવા છતાં અન્ય બસમાં બેસી જાય છે. જેથી તેમને ફરીથી ટિકિટ લેવી પડે છે અને ટિકિટ બુક કરાવેલ પૈસા પાણીમાં જાય છે.

 








 


Google NewsGoogle News