Get The App

ઐતિહાસિક સ્મારકોની બારે માસ કરાતી ઉપેક્ષા રોશનીથી ઢાંકવા મ્યુનિ.નો પ્રયાસ!

પૂર્વની ત્રણ ઈમારતો પર રૂ.૬.૮૦ લાખ ખર્ચી જી-ર૦ના લોગો લગાવ્યા

મોટાભાગના સ્મારકો આસપાસ વ્યાપક દબાણ, કચરાના ઢગલા, જાળવણીના અભાવે જર્જરિત બની રહેલી દિવાલો, આસપાસમાં ઉગી નિકળતા ઝાડી-ઝાંખરા

Updated: Feb 9th, 2023


Google NewsGoogle News
ઐતિહાસિક સ્મારકોની બારે માસ કરાતી ઉપેક્ષા રોશનીથી ઢાંકવા મ્યુનિ.નો પ્રયાસ! 1 - image


અમદાવાદ, ગુરૂવાર

જી-૨૦ સમિટ માટે શહેરના ચાર ઐતિહાસિક સ્મારકો પર રૂ.૯.૨૮ લાખથી પણ વધુના ખર્ચે જી-૨૦ લોગો લગાવવામાં આવ્યા હતા. જેમાંથી પૂર્વના ત્રણ સ્મારકોમાં લોગો લગાવવા રૂપિયા ૬.૮૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આવા તોતિંગ ખર્ચ કરતું તંત્ર શહેરની અન્ય મોટાભાગની ઐતિહાસક ઇમારતોની જર્જરિત અને બિસ્માર હાલત તરફ આંખ આડા કાન કરીને બેઠું છે.

ભારતે પ્રથમ વખત જી-૨૦નું પ્રમુખપદ ધારણ કર્યું છે. જે અંતર્ગત દેશના ૫૦ જેટલા શહેરોમાં વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. તે અર્થે દેશની ૧૦૦ ઐતિહાસિક ઈમારતોને જી-૨૦ના ઝગમગતા લોગોથી સુશોભિત કરવામાં આવી છે. અમદાવાદ પણ જી-૨૦ સમિટ અંતર્ગત એક યજમાન શહેર છે. જેથી શહેરના કુલ ચાર સ્મારકોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં પૂર્વના ત્રણ દરવાજા, સિદી સૈયદ મસ્જિદ અને ભદ્ર કિલ્લા એમ કુલ ત્રણ સ્મારકોમાં કુલ રૂ.૬,૮૦,૬૦૦ ના ખર્ચે ઝળહળતા જી-૨૦ લોગો લગાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ૭ જુલાઈ ૨૦૧૭ના રોજ દેશના પ્રથમ વિશ્વ ધરોહર શહેરનો દરજ્જો પ્રાપ્ત કરનાર અમદાવાદ શહેરની અનેક ઐતિહાસિક ઇમારતો અને સ્મારકો બિસ્માર હાલતમાં છે.

ઐતિહાસિક સ્મારકોની બારે માસ કરાતી ઉપેક્ષા રોશનીથી ઢાંકવા મ્યુનિ.નો પ્રયાસ! 2 - image

ગુજરાતમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા ૨૦૩ સ્મારકોને રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર કરાયા છે. જેમાં અમદાવાદના ૫૪ સ્મારકોનો સમાવેશ થાય છે. તેમજ રાજ્ય સંરક્ષિત ૩૧૭ સ્મારકોમાં શહેરના ચારેક સ્મારકોનો સમાવેશ થાય છે. શહેરમાં આવેલા મોટાભાગના સ્મારકો  ૧૫મીથી ૧૭મી સદીના ઈન્ડો-ઈસ્લામિક શૈલીના છે. ઉલ્લેખનીય છે કે વિશ્વ્ ધરોહરનો દરજ્જો મળ્યાને પાંચ વર્ષથી પણ વધુ સમય વીતી જવા છતાં સ્મારકોની જાળવણી યોગ્ય રીતે કરવામાં આવી રહી નથી.

કેટલાય સ્મારકોની ઇમારતો જર્જરિત થઇ ગઈ છે. કેટલાક સ્મારકોના પરિસરમાં અને આસપાસના સ્થળો  પર ગંદકી જોવા મળે છે. આસપાસ લોકો રેકડીઓ, પાથરણા વગેરે લઈને વેપાર કરવા બેસી જાય છે. દરવાજાઓમાંથી નીકળવું શક્ય બનતું નથી. અનેક સ્મારકો પાસે લોકોએ બિનઅધિકૃત બાંધકામ કરી દીધા છે. પરિણામે માત્ર એક લોગો પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવાના બદલે તંત્ર આ બધા ઐતિહાસિક અને વિશ્વ્ ધરોહર સ્મારકો અને ઇમારતોની સમયસર જાણવણી અને દેખરેખ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી શહેરીજનો તથા ત્યાં આવતા સહેલાણીઓની માંગ છે.

 ઐતિહાસિક સ્મારકોની બારે માસ કરાતી ઉપેક્ષા રોશનીથી ઢાંકવા મ્યુનિ.નો પ્રયાસ! 3 - image

ઐતિહાસિક સ્મારકોની દશા

સ્મારક                    હાલની સ્થિતિ

ઝુલતા મિનારા            જર્જરિત હાલતમાં, આસપાસમાં મોટા વૃક્ષો ઉગી નિકળ્યા

રાણીનો હજીરો            વેપારીઓ દ્વારા આસપાસમાં ગોઠવી દેવાતો સામાન તેમજ સ્થાનિક રહીશોની ઘરવખરીના ઢગલા

મિનારા ગુંબજ            ચોમાસામાં પાણી પડતું હોય તાડપત્રીથી ઢાંકવાની આવતી નોબત

સીદી સૈયદની જાળી      આસપાસમાં કચરાના ઢગલા અને ઉગી નિકળેલા ઝાડી-ઝાંખરા

ભદ્રનો કિલ્લો             ઐતિહાસિક દિવાલો તેમજ આસપાસના વિસ્તારમાં પગ મુકવાની જગ્યા ન મળે એટલા અસહ્ય દબાણ

૧ર દરવાજાઓ          આસપાસમાં મોટાપાયે વાહન પાર્કિંગ અને ફેરિયાઓના દબાણોસફાઈમાં પણ બેદરકારી   

ઐતિહાસિક સ્મારકોની બારે માસ કરાતી ઉપેક્ષા રોશનીથી ઢાંકવા મ્યુનિ.નો પ્રયાસ! 4 - image                       

 

કેન્દ્ર રક્ષિત સ્મારકો

ત્રણ દરવાજા, ભદ્ર ટાવર (ભદ્ર દરવાજો)સીદી સૈયદની જાળીવાળી મસ્જિદ, અહમદ શાહની મસ્જિદ, જામા મસ્જિદ, રાણીનો હજીરો, અહમદશાહની કબર (બાદશાહનો હજીરો),દાદા હરિરની વાવ, દિલ્હી દરવાજા, રાયપુર દરવાજા, કાંકરિયા તળાવની જળઆયાત વ્યવસ્થા, મહમદ બેગડાની કબર તાથા ઝૂલતા મિનારા સહિત અમદાવાદના કુલ ૫૪ સ્મારકો કેન્દ્ર સરકાર એટલે કે એએસઆઈ દ્વારા રક્ષિત જાહેર કરાયા છે.

રાજ્ય રક્ષિત સ્મારકો

પાંચકુવા,કાંકરિયા તળાવ નજીક આવેલ ડચ કબર, પ્રાચીન મસ્જિદ-ઇસનપુર અને પ્રાચીન વાવ-કઠવાડા વગેરે સ્મારકોનો રાજ્ય રક્ષિતમાં સમાવેશ કરાયો છે.


 



Google NewsGoogle News