પોલીસે આશ્રમ રોડ બાનમાં લેતા હજારો વાહનચાલકો કલાકો સુધી અટવાયા

અમદાવાદ પોલીસના અણધડ વહીવટનો વધુ એક નમુનો

લાલ દરવાજા રિલીફ રોડ પર ઇદનું સરઘસ હોવાનું કારણ આપી રસ્તો બંધ કર્યોઃ જાહેરનામામાં ઉલ્લેખ કર્યા વગર જ નહેરૂબ્રીજ અને એલિસબ્રીજ બંધ કરી દેવાયા

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
પોલીસે આશ્રમ રોડ બાનમાં લેતા હજારો વાહનચાલકો કલાકો સુધી અટવાયા 1 - image

અમદાવાદ, શુક્રવાર

શુક્રવારે ઇદનું  સરઘસ નીકળવાનું હોવાથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે જમાલપુરથી રિલીફ રોડ થઇને લાલ દરવાજા સુધી આવવાનું હોવાથી  કટલાંક રસ્તા બંધ કરવાનો ઉલ્લેખ જાહેરનામામાં કરવામાં આવ્યો હતો. પરંતુ, અમદાવાદ પોલીસે સાંજના ચાર વાગ્યા બાદ અચાનક આશ્રમ રોડ પરના નહેરૂબ્રીજ અને એલિસબ્રીજથી શહેરના પૂર્વ વિસ્તારમા જવા માટેના રસ્તા બંધ કરી દેતા આશ્રમ રોડ પર હજારો વાહનચાલકો કલાકો સુધી ફસાયા હતા. સૌથી મોટા આશ્ચર્યની વાત એ હતી કે  પોલીસ કમિશનર દ્વારા અગાઉ પ્રસિદ્વ કરાયેલા જાહેરનામા રસ્તો બંધ કરવાનો ઉલ્લેખ કરાયો નહોતો. તેંમ છેતાંય, અચાનક આ નિર્ણય લઇને આશ્રમ રોડને રીતસરનો બાનમાં લેવામાં આવ્યો હતો. ગણપતિ વિસર્જન અને  ઇદનો તહેવાર એક સાથે હોવાથી કાયદો અને વ્યવસ્થા ન જોખમાઇ તે માટે ઇદનું મુખ્ય જુલુસ ગુરૂવારના બદલે શુક્રવારે બપોરે બે વાગ્યા બાદ જમાલપુરથી દરવાજાથી પથ્થરકુવા અને રીલીફ રોડ થઇને લાલ દરવાજા વીજળીઘર થઇને મિરઝાપુર કુરેશી ચોક સુધીના રૂટ પરથી પસાર થવાનું હતું. આ માટે ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા જાહેરનામુ પ્રસિદ્વ કરાયું હતું.  જેમાં જમાલપુર,રાયખડ, ગોળ લીમડા, પાનકોરનાકા,ધી કાંટા, વીજળી ઘર તેમજ મિરઝાપુર સાથે જોડાયેલા કેટલાક રસ્તાઓ બંધ કરવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ, અમદાવાદ પોલીસે અચાનક બપોરના ચાર વાગે આશ્રમ રોડ તરફ જોડાયેલા નહેરૂબ્રીજ અને એલિસબ્રીજનો ટ્રાફિક બંધ કરીને રસ્તા પર બેરીકેડ મુકી દીધા હતા અને વાહનચાલકોને નહેરૂબ્રીજ કે એલિસબ્રીજના બદલે ગાંધીબ્રીજ અને સરદારબ્રીજ તરફ ટ્રાફિક ડાર્યવર્ટ કરી દીધો હતો. પરંતુ, પીક અવર્સના કારણે આશ્રમ રોડ પર ટ્રાફિક રોકવામાં આવતા નહેરૂબ્રીજથી લાલ દરવાજા જતા  અને એલિસબ્રીજથી વિકટોરિયા ગાર્ડન જતા વાહનચાલકોને કારણે રસ્તા પર રીતસરની સ્થિતિ વણસી હતી. એટલું જ નહી અનેક લોકોને માત્ર નહેરૂબ્રીજ ક્રોસ કરીને નજીકમાં જવાનું હતું. તેમને પણ રોકી દેવાયા હતા. બાદમાં થોડી જ વાર વી. એસ હોસ્પિટલ થી ઇન્કમટેક્ષ સુધીનો  સમગ્ર રસ્તા પર ટ્રાફિક જામ થતા હજારો વાહનો કલાકો સુધી અટવાયા હતા. જેમાં વી. એસ હોસ્પિટલ જતા દર્દીઓ અને તેમના તેમજ એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઇ હતી.  ત્યારે વાહનચાલકોએ રીતસરનો રોષ વ્યક્ત કર્યો હતો કે  પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં નહેરૂબ્રીજ અને એલિસબ્રીજ બંધ કરવાની વાતનો ઉલ્લેખ નહોતો. તેમ છંતાય, પોલીસના અણધડ વહીવટ અને વગર વિચાર્યે લેવામાં આવેલા નિર્ણયને પગલે  આશ્રમ રોડને રીતસરનો બાનમાં લેવામાં આવ્યો હોય તેવી સ્થિતિ ઉભી થઇ હતી.  જેના કારણે અનેક લોકોને વાહનને આશ્રમ રોડની તરફ મુકીને કામ માટે ચાલતા આવવાની ફરજ પડી હતી.  સામાન્ય રીતે જ્યારે જાહેરનામુ બહાર પાડવામાં આવે ત્યારે તમામ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. પરંતુ, આ કિસ્સામાં પોલીસના આયોજનને લઇને અનેક સવાલો ઉભા થયા છે.


Google NewsGoogle News