Get The App

સરકારના દબાણને કારણે કાર્યક્રમોને મંજુરી આપવી પડે છેઃ શહેર પોલીસ

મેરી માટી મેરા દેશના કાર્યક્રમને કારણે હજારો નાગરિકો ટ્રાફિકમાં ફસાયા

અમદાવાદમાં વધારે વાહનો અને હજારોની જન મેદનીના કાર્યક્રમમાં હંમેશા પરેશાન તો પ્રજાને જ થવાનું રહે છેઃ પોલીસમાં આયોજનનો અભાવ

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
સરકારના દબાણને કારણે  કાર્યક્રમોને મંજુરી આપવી પડે  છેઃ  શહેર પોલીસ 1 - image

અમદાવાદ,શુક્રવાર

શુક્રવારે રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરમાં આજે મારી મારો દેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં વાહનો લઇને ખુબ મોટા પ્રમાણમાં લોકો આવ્યા હતા. આ કાર્યક્રમના પગલે રીવરફ્ન્ટ પૂર્વ અને પશ્ચિમના રસ્તા બપોરના સમયથી બંધ કરવામાં આવ્યા હતા. જેના કારણે આશ્રમ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.  અમદાવાદના રીવરફ્રન્ટમાં આ પ્રકારે યોજવામાં આવતા સરકારી ક્રાર્યક્રમોને કારણે નાગરિકોને પરેશાન થવાનો વારો આવે છે.  સૌથી નવાઇની વાત એ છે કે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ કાર્યક્રમને  કારણે શહેરની ટ્રાફિક સમસ્યા વકરે તેવી  રિપોર્ટ આપ્યો હતો. તેમ છંતાય, સરકારના દબાણના કારણે પોલીસને આ પ્રકારના કાર્યક્રમને મંજુરી આપવી પડી હતી. તો કાર્યક્રમ દરમિયાન પોલીસના અપુરતા આયોજનને કારણે લોકોની પરેશાની અનેકગણી વધી જાય છે.

સરકારના દબાણને કારણે  કાર્યક્રમોને મંજુરી આપવી પડે  છેઃ  શહેર પોલીસ 2 - imageઆજે રીવરફ્રન્ટ  ઇવેન્ટ સેન્ટરમાં આજે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં એક હજારથી વધારે બસ અને બે હજાર જેટલા અન્ય વાહનોમાં હજારોની મેદની સમગ્ર ગુજરાતમાંથી આવી હતી. આ કાર્યક્રમના અનુસંધાનમાં પોલીસે બપોરે બાર વાગ્યાથી રીવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમના રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે ક્રાર્યક્રમમાં આવતા વાહનોને કારણે અને શહેરના નિયમિત ટ્રાફિકને કારણે  ફરીથી હજારો વાહનચાલકો પરેશાન થઇ ગયા હતા.  જેમાં પોલીસે નિયત પાર્કિગ સિવાય રસ્તા પર અડચણ ઉભી થાય તે રીતે વાહનોનો ખડકલો કરાવી દીધો હતો. સાથેસાથે સાંજના સમયે આશ્રમ રોડના નહેરૂબ્રીજ પર સિગ્નલ બંધ કરીને ટ્રાફિકનું સંચાલન કરતા સ્થિતિ વણસી હતી અને કલાકો સુધી લોકો  ફસાયા હતા.  બાદમાં કાર્યક્રમ પૂર્ણ થતા  ત્યાંથી વાહનો આશ્રમ રોડ અને અન્ય રસ્તાઓ પરથી  સાંજના પીક અવર્સના સમયે  આવતા  હજારો લોકોને મુશ્કેલી પડી હતી.   જેમાં મોટાભાગના સ્થળોએ ટ્રાફિક પોલીસ સ્થિતિને કાબુમાં રાખવામાં નિષ્ફળ ગઇ હતી.   

આ કાર્યક્રમને કારણે ટ્રાફિકમાં ફસાયેલા નગરજનોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે  પીક અવર્સમાં આશ્રમ રોડ પર ટ્રાફિકજામની સ્થિતિ ન સર્જાય તે માટે પોલીસને યોગ્ય આયોજન કરવું જરૂરી છે. ખાસ કરીને ચાલુ દિવસોમાં આ પ્રકારના મોટા આયોજન ન કરવા જોઇએ.  અગાઉ પર આ પ્રકારના આયોજનથી સ્થાનિક લોકો હાડમારી ભોગવી ચુક્યા છે.

સરકારના દબાણને કારણે  કાર્યક્રમોને મંજુરી આપવી પડે  છેઃ  શહેર પોલીસ 3 - imageબીજી તરફ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના એક ઉચ્ચ અધિકારીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજવા અંગે જ્યારે મંજુરી માટે કાગળો આવ્યા ત્યારે જ  ટ્રાફિક વિભાગના અધિકારીઓએ આ કાર્યક્રમને ઇવેન્ટ સેન્ટરમાં યોજવાના બદલે ઓગણજ કે અન્ય સ્થળોએ કે જ્યાં ટ્રાફિક સમસ્યા વધારે ન સર્જાય તે  રીતે યોજવા માટે સુચન કરાયું હતું. જો કે સરકારના દબાણના કારણે અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓએ મજબુરીમાં આ પ્રકારના કાર્યક્રમને મંજુરી આપવી પડી હતી. આ સાથે અમદાવાદ ટ્રાફિક પોલીસ ટ્રાફિક સંચાલનને પહોંચી વળવામાં નિષ્ફળ ગઇ હતી. જેનો ભોગ અમદાવાદની પ્રજાને બનવું પડયું હતું.


Google NewsGoogle News