શનિવારે પડેલા ભારે વરસાદ બાદ અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં ધૂંટણસમા પાણી ભરાતા રહીશો કફોડી હાલતમાં મુકાયા

અનેક વિસ્તારોમાં વરસાદ બંધ થયા બાદ પણ કલાકો સુધી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરી ના શકાતા લોકોએ ભારે આક્રોશ વ્યકત કર્યો

Updated: Jul 24th, 2022


Google NewsGoogle News
શનિવારે પડેલા ભારે વરસાદ બાદ અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં ધૂંટણસમા પાણી ભરાતા રહીશો કફોડી હાલતમાં મુકાયા 1 - image


અમદાવાદ,રવિવાર,24 જુલાઈ,2022

શનિવારે સાંજથી અમદાવાદમાં શરુ થયેલ વરસાદ રાત્રિના દસ પછી ખાસ કરીને અમદાવાદ પૂર્વના વિસ્તારો ઉપર અનરાધાર રીતે વરસતા ગોમતીપુર,રખિયાલ,અમરાઈવાડી ઉપરાંત મણિનગર,હાટકેશ્વર અને ભાઈપુરા વોર્ડ વિસ્તારમાં રહેતા લોકોના ઘરો સુધી વરસાદી પાણી ફરી વળતા રહીશો કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા.નિચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદ બંધ થયા બાદ પણ કલાકો સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરાયેલા વરસાદી પાણીના નિકાલ અંગે કોઈ વ્યવસ્થા કરવામાં ના આવતા લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રની બેદરકારી અને નિષ્ફળતા સામે ભારે આક્રોશ વ્યકત કર્યો હતો.

અમદાવાદ પૂર્વના વિસ્તારમાં રહેતા લાખો શહેરીજનો માટે શનિવારની રાત ખુબ કપરી બની ગઈ હતી.મોડી રાતે દસ કલાકથી ફરી શરુ થયેલા વરસાદને કારણે ગોમતીપુર,રખિયાલ ઉપરાંત ચકુડીયા સહિતના વિસ્તારોને ગણતરીના કલાકમાં જ વરસાદે ચોતરફ જળબંબાકાર કરી નાંખતા હજારો લોકોએ રાતભર ચિંતામાં વિતાવવી પડી હતી.ઉપરાંત લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ગટરના પાણી સાથે બેક મારતા લોકોની ઘરવખરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યુ હતું.સવારે છ કલાક સુધીમાં સૌથી વધુ વરસાદ રખિયાલ અને ગોમતીપુરમાં પોણા સાત ઈંચ જેટલો પડી ગયો હતો.ઉપરાંત મણિનગર અને કાંકરીયામાં સાડા છ ઈંચ જેટલો વરસાદ વરસી જતા રહીશો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

દરમિયાન પૂર્વઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વાઘેલા કપરી પરિસ્થિતિમાં પણ પૂર્વના વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોડી રાત સુધી ફર્યા હતા.ઉપરાંત જેટલી ઝડપથી શકય બને એટલી ઝડપથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અલગ અલગ વિભાગના અધિકારીઓને સુચના પણ આપવામાં આવી હતી.મોડી રાત્રિના સમયે અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી પડતા નારોલ-નરોડા હાઈવે ઉપર સી.ટી.એમ.ચાર રસ્તા પાસે મોડી રાત સુધી વાહનચાલકો તેમના વાહનો સાથે અટવાઈ પડયા હતા અને રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો થાય એની રાહ જોતા નજરે પડયા હતા.

શનિવારની રાત્રિના સમયે અમદાવાદ પૂર્વમાં વરસેલા અનરાધાર વરસાદથી જનજીવન ઉપર ભારે અસર જોવા મળી હતી.ભાઈપુરા વોર્ડ અને સી.ટી.એમ.વિસ્તાર ઉપરાંત અમરાઈવાડી વોર્ડ તેમજ હાટકેશ્વર સર્કલ આસપાસ આવેલી અનેક સોસાયટીઓમાં વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ પાણી ઓસર્યા નહોતા.સી.ટી.એમ.વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમા વરસાદી પાણી ફરી વળતા લોકોને તેમના ઘરોમાંથી બહાર નિકળવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.

ઈસનપુર હાઈવેથી નારોલ સર્કલ તરફનો રસ્તો પાણીમાં ગરકાવ

શનિવારે રાત્રિના સમયે પૂર્વ અમદાવાદના વિસ્તારમાં રહેતા લોકો માટે આફતરુપ વરસાદ વરસી પડયો હતો.અનરાધાર પડેલા વરસાદના કારણે ઈસનપુર હાઈવેથી નારોલ સર્કલ તરફનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો.કાશીરામ ટેકસટાઈલ જંકશન ઉપરાંત ઈસનપુર ક્રોસરોડ વાયા પ્રિન્સ હોટલ વાળો રસ્તો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો.

વટવા વોર્ડનીઅનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા

શનિવારે રાત્રિના સમયે પડેલા વરસાદને પગલે વટવા વોર્ડની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.સર્વોદય સોસાયટી ઉપરાંત રોહીતવાસ અને મોટા ઠાકોરવાસમાં વરસાદ બંધ થયા બાદ પણ કલાકો સુધી વરસાદી પાણીનો મ્યુનિસિપલ તંત્ર તરફથી નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં ના આવતા સ્થાનિક રહીશોમાં  તંત્ર સામે ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો.આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના કહેવા પ્રમાણે,નુરનગર કેનાલ સમ્પ ખાતે પાવર ફોલ્ટ થવાના કારણે પાણી નિકાલની કામગીરી શરુ કરવામાં વિલંબ થયો હતો.પાવર રીસ્ટોર થઈ ગયો હોવાથી આ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલની કામગીરી શરુ કરવામાં આવી છે.


Google NewsGoogle News