ડીગ્રી વિનાના ડૉક્ટરે પ્લાસ્ટર બાંધીને મહિલાના હાથના કાંડાને વાળી દીધું

ધી કાંટા સ્થિત ભાડભુંજા હાડવૈદ દવાખાનાની ઘટના

મહિલાને છેવટે એલ જી હોસ્પિટલમાં લઇ ગયા ત્યારે તબીબોએ ઓપરેશન કરીને કાંડુ સીધું કરવા સલાહ આપી

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
ડીગ્રી વિનાના ડૉક્ટરે પ્લાસ્ટર બાંધીને મહિલાના હાથના કાંડાને વાળી દીધું 1 - image


અમદાવાદ,શુક્રવાર


શહેરમાં હાથપગના દુખાવાની સારવા માટે ભાડભુંજાના નામે અનેક નાના-મોટા દવાખાના ચાલે છે. જ્યા મોટાભાગના દવાખાનામાં તબીબ માત્ર નામના જ હોય છે અને ડીગ્રી ન હોય તેવા લોકો દ્વારા સારવાર કરવામાં આવે છે. જેના પરિણામે તેમના પર ભરોસો મુકનારને માઠા પરિણામો ભોગવવા પડે છે. રામોલ વિસ્તારમાં રહેતી એક મહિલાને હાથના કાંડામાં ઇજા થતા પરિવારજનો ધીકાંટામાં આવેલા ભાડભુંજા હાડવૈદના હાજી નુરમોહંમદ હાજી નસીબક્ષ એન્ડ બ્રધર્સના દવાખાને લઇ ગયા હતા. પોતાની ઓળખ હાડવૈદ તરીકે આપીને કોઇ ચોક્કસ તપાસ કર્યા વિના હાથમાં પ્લાસ્ટર લગાવી દીધું હતું. જેના કારણે મહિલાના હાથનું કાંડુ સાજુ થવાને બદલે વળી ગયું હતું. છેવટે પરિવારજનો તેને એલ જી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોએ તેના કાંડાની સર્જરી કરીને સારવાર કરવા માટે સુચના આપી હતી.જે અંગે શાહપુર પોલીસ સ્ટેશનમાં તેમજ આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે આરોગ્ય વિભાગે દવાખાનું સીલ કર્યું હતું.


રામોલ મદીનનગરમાં રહેતા શેખ સમસુદ્દીન ઇમામુદ્દીનના માતા શકીલાબાનું (ઉ.વ.૫૭)  ગત ૨૦ જુનના રોજ લપસીને પડી ગયા હતા. જેથી તેમના પગમાં અને હાથમાં અસહ્ય દુખાવો થતા સમસુદ્દીન તેમને સારવાર માટે દિલ્હી ચકલા ધી કાંટા રોડ પર આવેલા હાજી નુકમોહંમદ હાજીનબીબક્ષ એન્ડ બ્રધર્સના નામથી દવાખાનું ચલાવતા ઇકબાલ સૈયદ, ઇરફાન સૈયદ,  સુફીયાન સૈયદને ત્યાં લઇ ગયા હતા. જો કે રાતના દવાખાનું બંધ હોવાથી તે પરત જતા હતા ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિએ તેની ઓળખ તબીબ તરીકે આપીને સારવાર કરવાનું કહ્યું હતું. જો કે સમસુદ્દીને એક્સ-રે માટે કહેતા તબીબ તરીકે ઓળખ આપનારે ધમકાવીને કહ્યું હતું કે અમે હાડવૈદ છીએ અને ઓર્થોપેડીક કરતા વધારે જાણીએ છીએ. હાથમાં ફ્રેક્ચર છે. જે ચાર વાર પ્લાસ્ટરનો પાટો બાંધવાથી ઠીક થઇ જશે. ૧૫ દિવસે પાટો બદલવા  આવુ પડશે. જેથી તેને વધારે અનુભવી તબીબ સમજીને સમસુદ્દીને તેની માતાની સારવાર કરાવી હતી. આમ, દોઢ મહિના સુધી તબક્કાવાર ત્રણ વાર પ્લાસ્ટના પાટા બદલ્યા હતા. સમસુદ્દીન બીજીવાર પાટો બંધાવવા ગયા ત્યારે અન્ય એક વ્યક્તિ હતો. જેણે પોતાની ઓળખ તબીબ તરીકે આપી હતી. જો કે ગત ૧૬મી ઓગસ્ટના રોજ પાટો ખોલતા શકીલાબાનું અને તેમનો પરિવાર ચોંકી ઉઠયો હતો. કારણ  કે તેમનો હાથનું કાડું વળી ગયું હતું અને દુખાવો સતત વધતો હતો. છેવટે સમસુદ્દીન તેમની માતાને સારવાર માટે  એલજી હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યાં તબીબોએ જણાવ્યું હતું કે હાથનું હાડકું ખોટી જગ્યાએ બેસેલુ હતું. જેથી તેને તોડીને સર્જરી કરવાની સલાહ આપી હતી.

ડીગ્રી વિનાના ડૉક્ટરે પ્લાસ્ટર બાંધીને મહિલાના હાથના કાંડાને વાળી દીધું 2 - image

(મહિલાનો વળી ગયેલો હાથ)

આ બેદરકારીની જાણ કરવા સમસુદ્દીને સંપર્ક કર્યો ત્યારે દવાખાનાના માલિક વતી એક વ્યક્તિએ ધમકી આપી હતી કે અમારા દવાખાનાને બદનામ કરીશ તો  લાખોના માનહાનીના દાવામાં ફીટ કરાવી દઇશ. જો કે સમસુદ્દીનના અન્ય મિત્રોએ આ બાબતને ગંભીરતાથી લઇને મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં તેમજ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી. જેમાં આરોગ્ય વિભાગે  દવાખાનું સીલ  કરીને કાર્યવાહી કરી છે. જ્યારે આ મામલે શાહપુર પોલીસે પણ તપાસ શરૂ કરી છે.

દવાખાનું સીલ હોવા છતાંય, બાજુની એક બિલ્ડીંગમાં પ્રેક્ટીશ શરૂ કરી

ભાડભુંજા હાડવૈદના નામે ચલાવવામાં આવતું દવાખાનું ગેરકાયદેસર હોવાથી મ્યુનિસપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે દવાખાનું સીલ કરવાની કાર્યવાહી હતી. જો આ દવાખાનું ચલાવતા  ઇકબાલ સૈયદ, ઇરફાન સૈયદ અને  સુફીયાન સૈયદે તેમના દવાખાનાની સામે આવેલી એક બિલ્ડીંગમાં દવાખાનું શરૂ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે. જેની ખાતરી કરવા એક મહિલાને ડમી પેશન્ટ તરીકે મોકલવામાં આવી હતી. ત્યારે તેમણે  દવાખાનાના રિનોવેશનની કામગીરી ચાલતી હોવાથી દવાખાનું શરૂ કર્યાનું કહીને તેને દવા પણ આપી હતી.

ડીગ્રી વિનાના ડૉક્ટરે પ્લાસ્ટર બાંધીને મહિલાના હાથના કાંડાને વાળી દીધું 3 - image આરોગ્ય વિભાગની સીલની નોટિસને કપડાથી ઢાંકી ેદેવામાં આવી

ભાડભુંજા હાડવૈદના નામે ચાલતા દવાખાનામાં સારવારના નામે દર્દીઓના જીવ સાથે ચેડા થતા હોવાની વાત સામે આવતા  આરોગ્ય વિભાગે દવાખાનું સીલ કરીને નોટીસ લગાવી હતી. પરંતુઆ દવાખાનું ચલાવતા લોકોએ નોટિસ  પર કપડું લગાવી દીધું હતું. જેથી કોઇને ખ્યાલ ન આવે અને કોઇ પુછે તો હાલ રીનોવેશનના કારણે દવાખાનું બંઘ કરીને બાજુમાં સારવાર કરવામાં આવતી હોવાનું કહેવામાં આવતું હતું.


Google NewsGoogle News