ગુજરાતમાંથી પ્રથમ મહિલા રાજ્યપાલ બનેલા કુમુદબેન જોષીનું અવસાન
ગણદેવીના ધનોરી ચાંગા ગામના વતની અને
1985 થી 1990 આંધ્રપ્રદેશનાં ગવર્નર હતા ત્રણ ટર્મ સાંસદ અને મંત્રી રહ્યા હતાં
નવસારી : નવસારીના પીઢ કોંગ્રેસી અને આંધ્રપ્રદેશના માજી ગવર્નર એવા ગાંધીવાદી કુમુદબેન જોષીનું આજે લાંબી માંદગી બાદ 88 વર્ષની જૈફ વયે તેમના નિવાસ સ્થાન ગણદેવીના ધનોરી ચાંગા ગામે અવસાન થયું હતું.
ગણદેવીના ધનોરી (ચાંગા) ગામના મૂળ વતની કુમુદબેન જોષીનો જન્મ 1934માં થયો હતો. નવસારી જિલ્લામાંથી સૌપ્રથમ વખત આંધપ્રદેશના રાજ્યપાલ તરીકે પીઢ ગાંધીવાદી કુમુંદબેન જોષીની વરણી થઇ હતી. તેમણે ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસ કમિટીના પ્રમુખ તરીકે તથા ભારત સરકારના ખાદી ગ્રામોદ્યોગના ચેરમેન તરીકે પણ કાર્યભાળ સંભાળ્યો હતો.
30 વર્ષની ઉંમરે સક્રિય રાજકારણમાં એન્ટ્રી લીધી હતી અને 34 વર્ષની વયે તેઓ સાંસદ બન્યા હતા. રાજ્યપાલ પદ બાદ 1990માં રાજીવ ગાંધીના આગ્રહથી ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસમાં પ્રમુખ બન્યા હતા. અને 3 ટર્મ સાંસદ રહ્યા છતાં તેમની પાસે પોતાનું ઘર કે ગાડી ન હતી. તેઓ અત્યંત સાદગીમય જીવન વીતાવતા હતા. કુમુદબેન જોષી રાજ્યમાંથી સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા હતા.
કેન્દ્રિય મંત્રી મંડળમાં 1980થી 82 સુધી માહિતી અને પ્રસારણ મંત્રી તેમજ 1994 સુધી તેઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકે પદભાર સંભાળી ચૂક્યા હતા. તા.26 નવેમ્બર 1985 થી તા.7-2-1990 સુધી આંધ્રપ્રદેશના બીજા મહિલા રાજ્યપાલ બન્યા હતા. રાજ્યપાલ બન્યા બાદ આંધ્ર પ્રદેશના 23 જિલ્લામાં યાત્રા કરી હતી. જે એક રેકોર્ડ છે. તેમના અવસાનથી કોંગ્રેસીઓમાં ગમગીની વ્યાપી ગઈ છે.