ગુજરાત યુનિ. દ્વારા આજથી ઓનલાઈન પરીક્ષાઓ લેવાશે
ગુજરાતમાં ફરજિયાત ઓફલાઈન શિક્ષણ વચ્ચે
યુજી અને પીજી સેમેસ્ટર-1ની પરીક્ષાઓ 38 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે
અમદાવાદ : ગુજરાતમા 21મીથી સ્કૂલો-કોલેજો અને યુનિ.ઓમાં ફરજીયાત ઓફલાઈન શિક્ષણ કરી દેવાયુ છે ત્યારે આવતીકાલે 28મીથી ગુજરાત યુનિ.દ્વારા ઓનલાઈન પરીક્ષાઓ લેવાનાર છે.જે માટે 38 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
કેટલાક વિદ્યાર્થીઓને પાસવર્ડ અને લિંક ન મળતા મોક ટેસ્ટ આપી શક્યા ન હોવાથી આવતીકાલથી શરૂ થતી ફાઈનલ ઓનલાઈન પરીક્ષાથી વંચિત રહે તેમ છે ત્યારે આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ સાથે યુનિ.ખાતે આવ્યા હતા.
ગુજરાત યુનિ.દ્વારા કોરોનાને લઈને યુજી અને પીજીની સેમેસ્ટર-1ની પરીક્ષાઓ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પ આપવાની જાહેરાત કરાઈ હતી.પરંતુ થોડા દિવસોમાં કોરોનાની સ્થિતિ ઘણે અંશે કાબુમાં આવી જતા નહીવત કેસો નોંધાતા રાજ્ય સરકારે 21મીથી રાજ્યમા સ્કૂલોથી લઈને યુનિ.કક્ષાએ ઓફલાઈન શિક્ષણ ફરજીયાત કરી ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ બંધ કરી દીધો છે.
પરંતુ ગુજરાત યુનિ.એ અગાઉ ઓનલાઈન પરીક્ષા લેવાની જાહેરાત કરી દીધી હોઈ અને યુનિ.એ ઓનલાઈન પરીક્ષાના વિકલ્પ પસંદગી માટે રજિસ્ટ્રેશન પણ કરાયુ હતું. જેમાં યુજી-પીજી સેમેસ્ટર-1ના રેગ્યુલર અને રીપિટર સહિતના પરીક્ષા ફોર્મ ભરનારા 96 હજારથી વધુ વિદ્યાર્થીઓમાંથી 38 હજારથી વધુ વિદ્યાર્થીએ ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કર્યો છે.
યુનિ.દ્વારા હવે આવતીકાલે 28મીથી દિવસમાં ત્રણથી ચાર સેશનમાં એક-એક કલાકની એમસીક્યુ આધારીત ઓનલાઈન પરીક્ષાઓ લેવાશે.ઓનલાઈન પરીક્ષાઓ પુરી થયા બાદ માર્ચમાં ઓફલાઈન પરીક્ષાઓ લેવાશે અને હજુ સુધી ઓફલાઈન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો નથી.