ગુજરાતમાં બનતા ગુનાઓ સામે થતી સજાનો દર ઓછો, ક્રાઇમ રેટ ઇન ઇન્ડિયાના ડેટામાં ઘટસ્ફોટ
Crime Rate in India Data | ગુજરાતમાં બનતા ગુનાઓની સામે તેનો કન્વિક્શન રેટ એટલે કે સજાનો દર અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછો હોવાનો ચોંકાવનારો આંકડો ક્રાઇમ રેટ ઇન ઇન્ડિયાના ડેટામાં સામે આવ્યો છે. જે રાજસ્થાન અને મહારાષ્ટ્ર કરતાં ઓછો છે. આ બાબતે ચિંતા વ્યક્ત કરતાં સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે અનેક કિસ્સામાં ભૂલ ભરેલી તપાસના કારણે આરોપીઓ કોર્ટમાં નિર્દોષ છૂટી જાય છે. પોલીસ કેસમાં કન્વિક્શન દરમાં વધારો થાય તે માટે અમદાવાદ ખાતે એક દિવસીય સેમિનાર યોજાયો હતો. ક્રાઇમ રેટ ઇન્ડિયાના ૨૦૨૨ દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલમાં દેશમાં સરેરાશ સજાનો દર ૫૪.૨ ટકા છે. તેની સામે રાજસ્થાનનો કન્વિક્શન દર ૫૧.૭ ટકા અને મહારાષ્ટ્રનો દર ૪૫.૧ ટકા છે. જેના પ્રમાણમાં ગુજરાતનો દર માત્ર દર ૨૯.૭ ટકા છે. જે ગુજરાત પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો છે. તો બીજી તરફ ચાર્જશીટ રેટમાં ચિત્ર આનાથી વિરુદ્ધ છે. દેશનો ચાર્જશીટ રેટ ૭૧.૩ ટકા છે. તેની સામે ગુજરાતનો દર ૮૯.૯ ટકા છે અને રાજસ્થાનનો રેટ ૪૯.૮ ટકા તેમજ મહારાષ્ટ્રનો દર ૭૫.૩ ટકા છે.
જેથી ગુજરાતમાં સજાનો દર વધે તે માટે પોલીસ અધિકારીઓના માર્ગદર્શન માટે એક દિવસીય સેમિનાર યોજાયો હતો. જેમાં સંબોધન કરતાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ફોરેન્સિક સાયન્સ અને જ્યુડીશીયલ સિસ્ટમ સજાનો દર વધારવા માટે મદદરૂપ થાય છે. જ્યારે પોલીસ કમિશ્નર જી. એસ. મલિકે જણાવ્યું કે ભૂલ ભરેલી તપાસ સજાનો દર ઓછો હોવાનું મુખ્ય કારણ છે. જેના કારણે આરોપીઓ કોર્ટમાં છૂટી જાય છે અને પરિણામે પીડિત ન્યાયથી વંચિત રહી જાય છે. જે ગંભીર બાબત છે. સજાના દરમાં વધારો કરવા માટે પીએસઆઇ, પીઆઇ અને એએસઆઇ કક્ષાના અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.