રાજ શેખાવત સહિતના અગ્રણીઓની મોડી રાતથી અટકાયત કરવા આદેશ

કરણી સેના દ્વારા કમલમના ઘેરાવાની ધમકીનો મામલો

અમદાવાદ ક્રાઇમબ્રાંચ તેમજ અન્ય જિલ્લાઓમાં એલસીબીના અધિકારીઓની ગૃહવિભાગની તાકીદ

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
રાજ શેખાવત સહિતના અગ્રણીઓની મોડી રાતથી અટકાયત કરવા આદેશ 1 - image

અમદાવાદ,સોમવાર

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે મંગળવારે ગાંધીનગર કમલમનો ઘેરાવ કરવાની ચીમકી આપતા પોલીસ એલર્ટ મોડ પર આવી ગઇ છે. જે અનુસંધાનમાં ગૃહ વિભાગે અમદાવાદ ક્રાઇમબ્રાંચને રાજ શેખાવત અને અમદાવાદમાં રહેતા તેના ટેકેદારોની અટકાયત કરવા માટે સુચના આપી છે.  સાથેસાથે અન્ય જિલ્લાઓમાં પણ લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓેને સ્થાનિક આગેવાનોને ગાંધીનગર પહોંચતા રોકવા માટે ઘરમાં જ નજરકેદ કરવા તાકીદ કરવામાં આવી છે. કરણી સેનાના અગ્રણી રાજ શેખવાતે મંગળવારે ગાંધીનગર કમલમ પર કેસરિયા ઝંડા અને દંડા સાથે  સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિયોને પહોંચીને મોટાપ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરવાની ધમકી આપી હતી. જેના પગલે સરકારે તાકીદની બેઠક બોલાવીને ગૃહ વિભાગને સુચના આપી કે કમલમ ખાતે એકપણ વિરોધી ન પહોંચે તે માટે એક્શન પ્લાન તૈયાર કરો. જે બાદ ગૃહ વિભાગના અધિકારીઓએ ઉચ્ચ પોલીસ અધિકારી સાથે બેઠક યોજી હતી. જે બાદ અમદાવાદ ક્રાઇમબ્રાંચને રાજ શેખાવત તેમજ અમદાવાદમાં રહેતા તેના અન્ય સમર્થકોની સોમવારે રાતથી જ  અટકાયત કરવા માટે સુચના આપી હતી. સાથેસાથે અન્ય જિલ્લાઓમાંથી પણ  અનેક લોકો કમલમ ખાતે વિરોધ પ્રદર્શનમાં આવી શકે તેમ હોવાથી જિલ્લા પોલીસને સુચના આપવામાં આવી છે. ગાંધીનગર આવતા  ક્ષત્રિય સ્થાનિક આગેવાનો સામે કાર્યવાહી  કરીને અટકાયત કે ઘરમાં જ નજરબંધ રાખવામાં આવે. એટલું જ નહી.  જિલ્લાઓમાંથી પસાર થતા હાઇવે પર નજર રાખીને ગાંધીનગર જતા ક્ષત્રિય લોકો પર નજર રાખવા તેમજ જરૂર પડયે કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે.

બીજી તરફ ગાંધીનગર પોલીસને ચ-૦થી કોબા હાઇવે પર સઘન બંદોબસ્ત ગોઠવવાની સાથે કમલમ અને આસપાસના વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. 


Google NewsGoogle News