Get The App

રૂ.૨.૭૫ કરોડના હીરાની લૂંટનો ભેદ ઉકેલનાર પોલીસની ટીમને વિશેષ ઇનામ

ગૃહ વિભાગ દ્વારા ઠરાવ પસાર કરાયો

અમરેલીથી સુરત જતી બસને ધોળકાની હદમાં રોકીને હીરા અને રોકડ ભરેલા પાર્સલની લૂંટ થઇ હતીઃ આણંદ પોલીસ સાથે કો ઓર્ડીનેટ કરીને ગેંગને પકડી હતી

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
રૂ.૨.૭૫ કરોડના હીરાની લૂંટનો ભેદ ઉકેલનાર પોલીસની ટીમને  વિશેષ ઇનામ 1 - image

અમદાવાદ, શુક્રવાર

એક વર્ષ પહેલા સુરતથી અમરેલી જતી ખાનગી ટ્રાવેલ્સની બસને  ધોળકા પાસે રોકીને લૂંટારૂઓએ રોકડ અને હીરાના પાર્સલ સહિત કુલ રૂપિયા ૨.૭૫ કરોડની મત્તા ભરેલા ચાર થેલાની લૂટ કરી હતી. આ બનાવની જાણ થતા અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ તેમજ આણંદ પોલીસ સાથે સંકલન કરીને આણંદના મેળાવ- સુનાવ રોડ સુધી પીછો કરીને સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલીને લૂંટનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.  જે અનુસંધાને ગૃહવિભાગે પોલીસની કામગીરીને બીરદાવતા વિશેષ ઠરાવ  પસાર કરીને ગુનો ઉકેલવાની કામગીરી કરનાર તમામ ૩૬  પોલીસ કર્મચારીઓને વચ્ચે કુલ રૂપિયા ૧૧.૭૫ લાખના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત, આ કેસમાં પોલીસે  માસ્ટર માઇન્ડ સહિત તમામ આરોપીઓને ઝડપી લેવાયા હતા. ગત વર્ષે ૧૮મી ઓક્ટોબરના રોજ  દિવાળીના તહેવાર દરમિયાન  સુરતથી અમરેલી જઇ રહેલી ખાનગી ટવેલ્સની બસના ધોળકાથી કોઠ તરફના રસ્તા પર રોકીને લૂંટારૂઓએ બસમા મુસાફરી કરી કરી રહેલા આંગડિયા પેઢીના કર્મચારીઓને હથિયાર બતાવીને રૂપિયા ૨.૭૫ કરોડની કિંમતના હીરાના પેકેટ અને રોકડની લૂંટ થઇ હતી. જે ઘટના બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસના વડા અમિત વસાવાએ  એલસીબી, એસઓજી, ધોળકા, કોઠ પોલીસના સ્ટાફની મદદથી ટેકનીકલ સર્વલન્સના આધારે લૂંટારૂઓનો કારનો પીછો કર્યો હતો. જેમાં લૂંટારૂઓ આણંદ  જિલ્લાની હદ તરફ જતા હોવાથી આણંદ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ મોકલીને આણંદ એલસીબીના સ્ટાફને જાણ કરવામાં આવી હતી. જેના આધારે મેળાવ-સુનાવ રોડ પર આવેલા ફાર્મ હાઉસ પાસેથી લૂંટારૂઓની કારને પકડીને સમગ્ર કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો હતો.  આ કેસ બે જિલ્લાની પોલીસ વચ્ચેના સંકલનને કારણે ઉકેલાયો હોવાથી ગૃહવિભાગે સમગ્ર મામલે નોંધ કરી હતી. જેના આધારે વિશેષ ઠરાવ પસાર કરાયો હતો. જે મુજબ આ સમગ્ર ઓપરેશનમાં મહત્વની કામગીરી કરનાર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર  આર એન કરમટિયા , એસઓજીના પીઆઇ એન એચ સવસેટા, અને આણંદ એલસીબીના  પોલીસ ઇન્સ્પેક્ટર  કે જી ચૌધરી સહિત ૩૬ પોલીસ અધિકારીઓને કુલ ૧૧.૭૫ લાખનું ઇનામ આપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News