હાઇકોર્ટ દ્વારા જમીન વિવાદ મામલે તપાસ કરવા સોલા પોલીસને આદેશ
પોલીસે ખોટી ફરિયાદ નોંધી હોવાની અરજીના પગલે કાર્યવાહી
સોલા પોલીસને ચાર સપ્તાહમાં બાદ તથ્ય જણાય તો અરજદારની ફરિયાદ નોંધવા માટે તાકીદ કરવામાં આવી
અમદાવાદ,રવિવાર
સાબરકાંઠામાં રહેતા વ્યક્તિએ સોલામાં એક વ્યક્તિ પાસેથી જમીન ખરીદીનો સોદો કરીને બાનાખાત કર્યું હતું. પરંતુ, જ જમીન વેચનારના વારસદારોએ જમીનનો સોદો કરનારને જમીન આપવાને બદલે અન્ય લોકોને વેચાણે આપી દીધી હતી. જે સંદર્ભમાં સોલા હાઇકોર્ટ પોલીસે બાનાખાત વ્યક્તિની રજૂઆતને ધ્યાનમાં લીધા વિના તેના વિરૂદ્ધ ગુનો નોંધીને અન્યને જમીન વેચનારની તરફેણ કર્યાનો આક્ષેપ કરતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં રાખીનેે હાઇકોર્ટે સોલા પોલીસને આ મામલે ચાર સપ્તાહમાં તપાસ કરીને ગુનો નોધવા માટે તાકીદ કરી છે. સાબરકાંઠામાં રહેતા કિશોરસિંહ ઝાલાએ વર્ષ ૨૦૧૦માં સોલામાં દલસુખભાઇ પટેલ નામના વ્યક્તિ પાસેથી જમીન ખરીદી પેટે સોદો કરીને બાનાખત કર્યો હતો. જે અંગે દલસુખભાઇના પુત્ર જયેશ પટેલ (રહે. સીએટલ પાર્ક, સાયન્સ સીટી રોડ, સોલા)ને જાણ હતી. પરંતુ, દલસુખભાઇનું અવસાન થતા જયેશ પટેલે અગાઉ કિશોરસિંહે બાનાખત કરેલી જમીનમાં વારસાઇ દાખલ કરાવીને અન્યને વેચાણે આપી દીધી હતી. આ બાબતે કોર્ટ ઉપરાંત, સોલા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે અરજી કરવામાં આવી હતી. પરંતુ, સોલા પોલીસ સ્ટેશનના તે સમયના પીઆઇ જે પી જાડેજાએ જયેશ પટેલની તરફેણ કરીને સપ્ટેમ્બર ૨૦૨૧માં કિશોરસિંહ વિરૂદ્ધ ખોટા બાનાખત કર્યાની ફરિયાદ નોંધી હોવાનો આક્ષેપ કરાયો હતો. જે અનુસંધાનમાં ડીજીપી ઓફિસથી માંડીને પોલીસ કમિશનર ઓફિસ સુધી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ, સંતોષકારક કાર્યવાહી ન થતા કિશોરસિંહે ગુજરાત હાઇકોર્ટમાં દસ્તાવેજી પુરાવાઓને આધારે ન્યાય માટે અરજી કરી હતી. આ અંગે કોર્ટે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મહત્વનો હુકમ કરતા સોલા પોલીસને આ મામલે ચાર સપ્તાહમાં ફરીથી તપાસ કરવી અને તપાસના મુદ્દાઓને આધારે યોગ્ય જણાય આવે તો ગુનો નોંધવા માટે કાર્યવાહી કરવા માટે સુચન કર્યું છે.