Get The App

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ઓમિક્રોનના રેકોર્ડ ૨૪ નવા કેસ

-ઓમિક્રોનના કુલ કેસ ૭૩, એક્ટિવ કેસ ૫૬

-અમદાવાદમાંથી સૌથી વધુ ૧૩ કેસ : ઓમિક્રોનના નવા ૨૪માંથી ૧૭ કેસમાં ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી

Updated: Dec 28th, 2021


Google News
Google News

અમદાવાદ, સોમવાર

ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ઓમિક્રોનના રેકોર્ડ નવા ૨૪ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૧૩, ગાંધીનગર શહેરમાંથી ૪, રાજકોટ શહેરમાંથી ૩ જ્યારે વડોદરા ગ્રામ્ય-ભરૃચ-આણંદ-અમરેલીમાંથી ૧-૧ કેસનો સમાવેશ થાય છે. આ સાથે જ રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસનો આંક ૭૩ થઇ ગયો છે. આ પૈકી ૧૭ દર્દી સાજા થયા છે જ્યારે હજુ સુધી ઓમિક્રોન સંક્રમિત એકપણ વ્યક્તિનું મૃત્યુ નોંધાયું નથી.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૮ પુરુષ અને પાંચ મહિલા ઓમિક્રોન સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આ પૈકી ૯ની ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી છે જ્યારે ચાર વ્યક્તિની કોઇ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અમદાવાદમાં હાલ ઓમિક્રોનના કુલ ૨૪ એક્ટિવ કેસ છે. સોમવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી ઓમિક્રોનના પ્રથમ દર્દીને ૧૩ દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના સ્ટાફે પુષ્પવર્ષા સાથે ઓમિક્રોનથી સાજા થયેલા આ દર્દીને વિદાય આપી હતી. ગાંધીનગરમાંથી ૧ પુરુષ અને ૩ મહિલાને ઓમિક્રોન હોવાનું સામે આવ્યું છ. આ ચારેય વ્યક્તિ ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ગાંધીનગરમાં ઓમિક્રોનના કુલ પાંચ કેસ છે અને તેમાંથી ૧ દર્દી સાજા થયા છે.

રાજકોટ શહેરમાંથી ઓમિક્રોનના ૩ કેસ નોંધાયા છે અને આ ત્રણેય મહિલા કોઇ જ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતી નથી. આ સિવાય અમરેલી-વડોદરા ગ્રામ્ય-ભરૃચમાંથી ૧-૧ પુરુષ જ્યારે આણંદમાંથી ૧ મહિલા ઓમિક્રોન સંક્રમિત છે. આ તમામ ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. આમ, આજે ઓમિક્રોનના જે કુલ ૨૪ કેસ નોંધાયા છે તેમાંથી ૧૫ પુરુષ અને ૯ મહિલા છે. આ ૨૪ કેસમાંથી ૧૭ ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે જ્યારે ૭ની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

રાજ્યમાંથી હાલ ઓમિક્રોનનના સૌથી વધુ ૨૪ એક્ટિવ કેસ અમદાવાદમાંથી છે. આ સિવાય વડોદરામાંથી ૧૫ દર્દી ઓમિક્રોનની સારવાર હેઠળ છે.

ગુજરાતમાં ઓમિક્રોનના નવા કેસ

જિલ્લો         નવા કેસ        કુલ કેસ

અમદાવાદ     ૧૩            ૨૪

ગાંધીનગર     ૦૪           ૦૫

રાજકોટ        ૦૩           ૦૫

વડોદરા        ૦૧           ૧૮

ભરૃચ          ૦૧           ૦૧

આણંદ         ૦૧          ૦૫

અમરેલી        ૦૧        ૦૧

Tags :
Gujarat-has-record-24--new-Omicrone-Case-in-last-24-hoursOmicrone-case-increased

Google News
Google News